Gujarat

અમરેલીમાં વિરાટ શેડનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રી

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા કુલ ₹707 કરોડના 24 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમાં ₹681.78 કરોડના 14 કામોના ખાતમુહૂર્ત અને ₹25.23 કરોડના 10 કામોના લોકાર્પણનો સમાવેશ થાય છે. અમરેલી APMC ખાતે યોજાયેલી જનસભામાં મુખ્યમંત્રીએ ખેડૂતો માટે ₹12 કરોડના ખર્ચે બનાવાયેલા વિશાળ “વિરાટ શેડ”નું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અમરેલી જિલ્લાના વિકાસ માટે ઉદાર હાથે નાણાં ફાળવશે અને ગુણવત્તાયુક્ત કામ દ્વારા વિકાસયાત્રા આગળ ધપાવશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ સમિટમાં અમરેલી માટે આશરે ₹36,000 કરોડના એમઓયુ થયા છે, જે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. સાથે જ પાણી સંચાલન અને “કેચ ધ રેઇન” અભિયાન દ્વારા ભવિષ્યમાં પાણી સંકટ ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં રોડ, રીવરફ્રન્ટ, ઓવરબ્રિજ, કોલેજ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતના અનેક વિકાસ કાર્યો થકી જિલ્લામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે.કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક અને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી તેમજ દિવ્યાંજનોને ઈ-ટ્રાઇસીકલ વિતરણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top