Gujarat

પાટણના પીપરાળા ખાતે વીર યદુવંશી દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી બન્યા

ગાંધીનગર,તા.8
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી કાર્યક્રમને સંબોધ્યો હતો. આ પ્રસંગે આયોજકો તથા આહીર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય અને જીવનગાથા પર આધારિત દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.

સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાટણની પવિત્ર ધરતી પર દગાયચા દાદાના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આ પાવન અવસર સમગ્ર સમાજ માટે ગૌરવનો વિષય છે. આવા ધાર્મિક અને ભક્તિમય ઉત્સવો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે.

તેમણે કહયું હતું કે યદુવંશી આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન, ખેતી તેમજ શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે. ઇતિહાસ મુજબ વિક્રમ સંવત 1300 દરમિયાન દગાયચા દાદાએ કચ્છના તુણા ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હતું અને ત્યારબાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આહીર સમાજનું વસવાટ વધ્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આહીર સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા થયો છે.

Most Popular

To Top