Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણી પહેલાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૯૯૯ બેચના આઈએએસ અધિકારી હરિત શુક્લાની જગ્યાએ હવે ૨૦૦૭ કેડરના આઈએએસ અધિકારી સંદીપ સાગલે રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમાયા છે.

કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાત સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ ૧૩-ક ની પેટા-કલમ (૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સંદીપ સાગલેની નિમણૂક માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેઓ જે તારીખથી કાર્યભાર સંભાળશે, તે દિવસથી આ આદેશ અમલમાં ગણાશે. સાથે જ સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળના પોતાના અન્ય તમામ હોદ્દાઓ અને જવાબદારીઓ તાત્કાલિક છોડવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, જૂન ૨૦૨૪માં પી. ભારતીની જગ્યાએ હરિત શુક્લાની મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે ૨૩ ફેબ્રુઆરીએ તેમને બદલે સંદીપ સાગલેને જવાબદારી સોંપવામાં આવી છે. મૂળ મહારાષ્ટ્રના રહેવાસી સંદીપ સાગલે ૧૬ નવેમ્બર ૧૯૭૨ના જન્મેલા છે અને ૨૦૦૭ કેડરના આઈએએસ અધિકારી છે. તેમણે ગાંધીનગર, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, ખેડા, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં વિવિધ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે. વિધાનસભા સત્ર અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આ બદલાવને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે નવા મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં આવનારી ચૂંટણી પ્રક્રિયા આગળ વધશે.

Most Popular

To Top