સેલવાસ-દમણ : સેલવાસની એક ચિકન શોપમાં (Chicken Shop) દેશના તિરંગાનું (Tricolor) ઘોર અપમાન થતું જોવા મળ્યું હતું. ચિકન શોપમાં કામ કરતો એક યુવક તિરંગાથી ચિકનને સાફ કરી રહ્યો હતો, જેનો વિડીયો (Video) એક જાગૃત નાગરિકે ઉતારી તેને સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ કરતા તંત્ર હરકતમાં આવી ગયું હતું
મળતી માહિતી પ્રમાણે, સંઘપ્રદેશ દાનહ સેલવાસના બાવીસા ફળિયામાં હસીન કુરેશીની માલિકીની ચિકન શોપમાં કામ કરતો યુવક દુકાનમાં વેચવા માટે કાપેલી ચિકનને દેશના તિરંગાના ઝંડાથી સાફ કરી રહ્યો હતો. જેનો વિડીયો એક જાગૃત નાગરિકે તેના મોબાઈલના કેમેરામાં શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે વિડીયો વીજળીની ગતિએ વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થતાં લોકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ ફાટી નિકળ્યો હતો.
લોકોએ દુકાન માલિક સામે ફીટકાર વરસાવી હતી. વાયરલ થયેલો વિડીયો સેલવાસ પોલીસને મળતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તાત્કાલિક મોડીરાત્રે બાવીસા ફળિયા પહોંચી દુકાનમાં કામ કરતા 21 વર્ષીય મોહમ્મદ સૈફ નદીમ કુરેશીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. શુક્રવારે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સબજેલમાં મોકલવાની કાર્યવાહી કરી હતી. આ ઘટનાને જોતા નગર પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારવાની કાર્યવાહી કરાઈ હતી.
આલીપોર ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલા ટેમ્પો સાથે એકની ધરપકડ
ઘેજ : નવસારી એલસીબી પોલીસે આલીપોર ઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલો એક ટેમ્પો ઝડપી પાડી રૂ.૭.૯૬ લાખનો દારૂ સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબીની ટીમ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે દમણથી સુરત તરફ આઇસર ટેમ્પો નંબર જીજે-૧૫-એવી-૩૦૪૩ માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.
બાતમીના આધારે એસીબીની ટીમે ચીખલીથી આલીપોર ગામની હદ સુધીમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન રાત્રીના સમયે બાતમીવાળો ટેમ્પો નજરે ચડતા ટેમ્પોને આંતરી તલાશી લેતા ટેમ્પામાં ખાલી બોક્ષની આડમાં ગોઠવેલા ૨૧૨ જેટલી વીસ્કી, વોડકા તેમજ ટીન બિયરના બોક્ષ મળી આવ્યા હતા. જેનો કુલ જથ્થો નંગ ૮૮૩૨ કિં.રૂ.૭,૯૬,૮૦૦ તેમજ સાત લાખનો આઇસર ટેમ્પો મળી કુલ રૂ.૧૫,૦૨,૯૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલક જીતેન્દ્ર મધુકર ખરાત (ઉ.વ-૩૦ રહે.ચણોદ શિવાજી નગર સાત ફળીયા, ચંદ્રકાંતભાઈના ઘર નં-૬ માં તા.વાપી) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂની જથ્થો આપી જનાર એક અજાણ્યો શખ્સ તેમજ જ્ઞાનેશ્વર મરાઠી (રહે.ડુંગરા વલસાડ) એમ બેને પોલીસ વોન્ટેડ જાહેર કરી બનાવની વધુ તપાસ પીઆઇ બી.એમ.ચૌધરી કરી રહ્યા છે.