નવી દિલ્હી : છત્તીસગઢના (Chhattisgarh) નારાયણપુરમાં સોમવારે ધર્મ પરિવર્તનને (religion Conversion) લઈને ભારે બબાલ થઇ હતી. અહીં બે પક્ષો વચ્ચે ઉગ્ર સંઘર્ષ પણ થયો હતો. આ દરમિયાન ટોળાએ એક ચર્ચમાં (church) તોડફોડ કરી હતી. જ્યારે પોલીસે (Police) હંગામો વધતો જોયો અને સમજાવવા પહોંચી ત્યારે ક્રોધિત યુવકોએ નારાયણપુરના એસપી સદાનંદ કુમાર પર હુમલો કરી દીધો હતો. ઘટનામાં તેમનું માથું ફાટી ગયું હતું . દરમ્યાન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સહિત ઘણા પોલીસકર્મીઓ પણ પથ્થરમારામાં ઘાયલ થયા હતા.ઘટના બાદ સ્થનિક સ્ટેશન ઈન્ચાર્જને જગદલપુરની હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.
આદિવાસીઓ સાથે ધર્મ પરિવર્તનને લઈને વિવાદ થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ એડકા ગ્રામ પંચાયતના આશ્રિત ગામ ગોરામાં રવિવારે ખ્રિસ્તી મિશનરી લોકો એક બેઠક યોજી રહ્યા હતા. આ દરમિયાન તેમનો આદિવાસીઓ સાથે ધર્મ પરિવર્તનને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન ભારે મારામારી થઈ હતી. જ્યારે પોલીસકર્મીઓ પહોંચ્યા ત્યારે તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને આદિવાસી સમાજ દ્વારા સોમવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સુરક્ષા વ્યવસ્થામાં સવારથી જ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એસપી-કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટોળાએ ઉશ્કેરાઈને ચર્ચ પર હુમલો કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઇને વિરોધ કરી રહેલી ભીડમાં એકાએક ગુસ્સે ફાટી નીકળ્યો હતો અને ટોળાએ ઉશ્કેરાઈને ચર્ચ પર હુમલો કર્યો. તેઓએ ત્યાં તોડફોડ શરૂ કરી હતી. આ જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ તેમને શાંત કરવા પહોંચ્યા હતા ત્યારબાદ ટોળાએ તેના પર પણ હુમલો કર્યો હતો. પથ્થરમારો અને લાઠીઓ અને લાકડીઓ શરૂ થઈ જેમાં એસપી સદાનંદ કુમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેના માથામાં ટાંકા આવ્યા છે.
હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે
સાથે સાથે ઘટનામાં અનેક પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થઈ ગયા છે. તેને હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યો છે. હાલ તમામની હાલત સારી હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસ ફોર્સ સ્થળ પર છે. બસ્તરના આઈજી સુંદરરાજ પી પણ નારાયણપુર જવા રવાના થઈ ગયા છે. હાલમાં આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે. પોલીસે સ્થિતિને કાબુમાં લીધી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. બીજી તરફ આદિવાસીઓએ ધર્મ પરિવર્તનનો આરોપ લગાવ્યો છે.