છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 15 લાખના ઈનામવાળા સ્નાઈપર સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા. તેમજ ઘટનાસ્થળેથી ભારે પ્રમાણમાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત થયો છે.
છત્તીસગઢના સુકમા જિલ્લાના તુમલપાડ જંગલ વિસ્તારમાં આજ રોજ તા. 16 નવેમ્બર રવિવારે વહેલી સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે મોટું એન્કાઉન્ટર થયું. DRG (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ)ના જવાનોએ મળેલી માહિતીના આધારે જંગલમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. અચાનક માઓવાદીઓએ ફાયરિંગ શરૂ કરવાથી બંને બાજુથી ગોળીબાર શરૂ થયો હતો.
આ અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર મરાયા. આ ત્રણેય પર મળીને 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર હતું. સૌથી મોટા આરોપી તરીકે ઓળખાતા માધવી દેવા પણ આ માર્યા ગયેલા માઓવાદીઓમાં સામેલ છે. તે કુખ્યાત જનમિલિટિયા કમાન્ડર અને સ્નાઈપર નિષ્ણાત તરીકે ઓળખાતો હતો અને સુરક્ષા દળો પર થયેલા અનેક હુમલાઓમાં તેનો હાથે હતો.
અન્ય બે મારાયેલા માઓવાદીઓની ઓળખ પોડિયમ ગાંગી અને સોડી ગાંગી તરીકે થઈ છે. આ બન્ને પક્ષના મહત્વના કમાન્ડર તરીકે કાર્યરત હતા.
એન્કાઉન્ટર બાદ પોલીસને ઘટના સ્થળેથી 303 રાઇફલ્સ, બેરલ ગ્રેનેડ લોન્ચર્સ (BGL) અને મોટી માત્રામાં દારૂગોળો મળ્યો છે. પોલીસે કહ્યું કે માઓવાદીઓનો મોટા પાયે હથિયાર સંગ્રહ વિસ્તારમાં જ હોવાનો અંદાજ છે. હાલમાં DRG, બસ્તર ફાઇટર્સ અને CRPF દ્વારા આસપાસના વિસ્તારમાં સર્ચ ચાલુ છે જેથી બાકી છુપાયેલા માઓવાદીઓને પકડાઈ શકે.
સુકમા જિલ્લાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું કે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ જ આ ઓપરેશન હાથ ધરાયું હતું. IGP સુંદરરાજ પટ્ટલિંગમના જણાવ્યા મુજબ બસ્તર ક્ષેત્રમાં માઓવાદીઓનું નેટવર્ક હવે નબળું પડી રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં 450 માઓવાદીઓ મારાતા અથવા પકડાતા સંગઠન ઘણી હદે નબળું પડ્યું છે.
એક ખાસ મુદ્દો એ છે કે માધવી દેવા એ જ તે વ્યક્તિ હતો જેણે 9 જૂનના IED વિસ્ફોટમાં ASP આકાશ રાવને શહીદ બનાવ્યો હતો. તેથી સુરક્ષા દળો માટે આ ઓપરેશન મોટું સફળ માનવામાં આવી રહ્યું છે.
આ અથડામણથી બસ્તર વિસ્તારમાં માઓવાદી નેટવર્કને મોટો આંચકો પહોંચ્યો છે અને સુરક્ષા દળોનું મનોબળ પણ વધ્યું છે.