Gujarat

કચ્છનું પ્રથમ અને ગુજરાતનું પાંચમું ‘રામસર સાઇટ’ બન્યું છારીઢાંઢ

ગાંધીનગર,તા.6
પીએમ નરેન્દ્ર મોદીની પ્રકૃતિ સંવર્ધન અને સંરક્ષણની દૂરંદેશી નીતિઓના પરિણામે કચ્છ જિલ્લાના છારીઢાંઢ જળપ્લાવિત વિસ્તારને વૈશ્વિક માન્યતા મળી છે. છારીઢાંઢ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે 31 જાન્યુઆરી, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવ્યું, જેના પગલે ગુજરાતના પર્યાવરણ સંરક્ષણ પ્રયાસોમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે.આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલને છારીઢાંઢને મળેલ વૈશ્વિક રામસર સાઇટનું પ્રમાણપત્ર વિધિવત અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

કચ્છનું પ્રથમ, ગુજરાતનું પાંચમું રામસર સાઇટ
છારીઢાંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ જળપ્લાવિત વિસ્તાર છે જેને ‘રામસર સાઇટ’નો દરજ્જો મળ્યો છે. રણ અને ઘાસનાં વિશાળ મેદાનોની વચ્ચે આવેલું આ અનોખું વેટલેન્ડ દર વર્ષે હજારો પ્રવાસી પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે.વિશેષ કરીને વિશ્વસ્તરે દુર્લભ એવા ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) પક્ષી માટે છારીઢાંઢ મહત્વપૂર્ણ નિવાસસ્થાન છે, જેના કારણે આ વિસ્તાર વૈશ્વિક પક્ષીવિજ્ઞાનીઓ અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

52થી વધુ દેશોના વિદેશી પ્રવાસીઓની નિયમિત મુલાકાત
ટૂર ઓપરેટર્સ અને પક્ષીવિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, છારીઢાંઢની મુલાકાત લેનારા કુલ પ્રવાસીઓમાં 80 ટકાથી વધુ વિદેશી પ્રવાસીઓ હોય છે. અત્યાર સુધી અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, હોલેન્ડ, નેધરલેન્ડ સહિત 52થી વધુ દેશોના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે અને નિયમિત રીતે આ વિસ્તારની જૈવવિવિધતા નિહાળવા આવે છે.

પક્ષી વૈવિધ્યમાં અદ્વિતીય સ્થાન
છારીઢાંઢ પક્ષી નિરીક્ષકો માટે અત્યંત મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં એક સાથે બે લાખથી વધુ પક્ષીઓ જોવા મળે છે અને 187થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે. ખાસ કરીને એક જ સ્થળે 40,000થી વધુ કુંજ (Common Crane) પક્ષીઓ જોવા મળતા હોવાથી આ વિસ્તાર અનોખું સ્થાન ધરાવે છે. છારીઢાંઢ આસપાસ કુલ 283 પક્ષી પ્રજાતિઓ નોંધાઈ છે, જેમાંથી 11 વૈશ્વિક સ્તરે જોખમગ્રસ્ત અને 9 ‘નિયર થ્રેટન્ડ’ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
વર્ષ 2008માં, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ છારીઢાંઢને ગુજરાતનું પ્રથમ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસોના પરિણામે આજે છારીઢાંઢને વૈશ્વિક ઓળખ મળી છે.

શા માટે મળ્યો ‘રામસર સાઇટ’નો દરજ્જો?
છારીઢાંઢે આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત રામસરના માપદંડો પૂર્ણ કર્યા છે, જેમાં

  • દુર્લભ અને અનોખું જળપ્લાવિત વિસ્તાર
  • ઊંચી જૈવવિવિધતા
  • સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર પ્રવાસી પક્ષીઓ માટે મહત્વપૂર્ણ નિવાસસ્થાન
    આ તમામ કારણોસર છારીઢાંઢને ‘રામસર સાઇટ’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. છારીઢાંઢનું રામસર સાઇટ તરીકેનું માન્યતા પ્રાપ્ત કરવું ગુજરાતની પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યકત્તકરે છે.

Most Popular

To Top