આ વખતે ઉનાળાની શરૂઆતમાં જ આપણા હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતનો ઉનાળો ખૂબ સખત રહેશે અને તેની આગાહી બિલકુલ સાચી પડી રહી છે. એપ્રિલ મહિનો સખત ગરમ રહ્યા બાદ હવે મે મહિનામાં તેનાથી પણ વધુ સખત ગરમી પડી રહી છે અને એક પછી એક હીટ વેવ્ઝ કે ગરમીના મોજાઓ દેશના જુદા જુદા ભાગોમાં આવી રહ્યા છે. હાલમાં શુક્રવારે ક્રૂર ગરમીનું મોજું ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારો પર ફરી વળ્યું હતું, જેમાં પશ્ચિમ દિલ્હીના નજફગઢમાં તો મહત્તમ તાપમાન ૪૭.૪ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જેણે તેને દેશનું સૌથી ગરમ સ્થળ બનાવી દીધું હતું.
રાજસ્થાનના ૧૯ સ્થળોએ, હરિયાણાના ૧૮, દિલ્હીના આઠ અને પંજાબના બે સ્થળોએ તાપમાનનો પારો ૪૫ ડીગ્રી સેલ્સિયસને પાર ગયો હતો અને ઉત્તર પશ્ચિમ ભારતનના મેદાની પ્રદેશોમાં તીવ્ર ગરમીનું મોજું આગામી પાંચ દિવસ સુધી ચાલુ રહેવાની આગાહી હતી. હીટવેવ અથવા ગરમીનું મોજું ત્યારે કહેવામાં આવે છે જ્યારે કોઇ હવામાન મથક પર તાપમાન અમુક મર્યાદા પાર કરે. મેદાની પ્રદેશ માટે આ મર્યાદા ૪૦ ડીગ્રી સે, કાંઠાના વિસ્તારો માટે ૩૭ ડીગ્રી સે તથા પહાડી પ્રદેશ માટે ૩૦ ડીગ્રી સે છે. વળી, તે સામાન્ય કરતા ૪.પ બિંદુ વધુ હોય તો પણ હીટવેવ કહેવાય છે. તીવ્ર હીટ વેવ ત્યારે કહેવામાં આવે છે જ્યારે તાપમાન સામાન્ય કરતા ૬.૪ બિંદુ વધી જાય.
શુક્રવારે દિલ્હીના નજફગઢ વિસ્તારમાં મહત્તમ તાપમાન ૪૭.૪ ડી.સે. અને હરિયાણાના સિરસામાં તે ૪૭.૧ ડીગ્રી સેલ્સિયસ થઇ ગયું હતું. ભારતીય હવામાન વિભાગના તે દિવસના સાંજના ૭.૩૦ કલાક સુધીના આંકડાઓ મુજબ નજફગઢ એ દેશનું સૌથી ગરમ સ્થળ હતું. દિલ્હી ઉપરાંત અનેક રાજ્યોમાં અનેક સ્થળે મહત્તમ તાપમાન ૪૫ ડીગ્રીની ઉપર ગયું છે તે નોંધપાત્ર બાબત છે. એક સમય હતો કે ૪૫ ડીગ્રી તાપમાન આપણે ત્યાં ખૂબ જ ઉંચુ તાપમાન મનાતું હતું, હવે આ વખતના ઉનાળામાં તો આટલું તાપમાન જાણે સામાન્ય બાબત બની ગઇ છે.
ગરમીના આ મોજા આ વખતે જુદા જુદા પ્રદેશોમાં વારંવાર આવી રહ્યા છે. શનિવારથી પૂર્વ અને મધ્ય ભારતમાં ગરમીનું નવું મોજું શરૂ થવાની પણ આગાહી કરવામાં આવી છે. અગાઉના હીટવેવમાં મધ્ય પૂર્વ ભારતના અનેક શહેરો ૪૩ ડીગ્રી કરતા વધુ તાપમાન જોઇ ચુક્યા છે. અગ્રણી હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આવા ગરમીના મોજા દર ૩૦ વર્ષે સર્જાઇ શકે છે અને હવામાન પરિવર્તનને કારણે તેની તીવ્રતા અને શક્યતા ઘણી વધી ગઇ છે. આ વખતનો ઉનાળો કદાચ કુદરતી ચક્રને કારણે વધુ ગરમ હોય તો પણ હવામાન પરિવર્તનને કારણે, ગ્લોબલ વૉર્મિંગને કારણે ગરમીના મોજાઓની તીવ્રતા વધી જાય છે તે બાબત અવગણી શકાય તેવી નથી.
હાલમાં પૂર્વ ભારતનું કોલકાતા મહાનગર અત્યંત સખત ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યાંથી અહેવાલ મળે છે કે આ મહાનગરનું વૃક્ષોનું કે વનસ્પતિનું કવચ ૨૦૨૧ સુધીના એક દાયકામાં ત્રીજા ભાગનું ઓછું થઇ ગયું છે. મુંબઇ અને બેંગલુરુ જેવા અન્ય શહેરો પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વધતા વાહનો, વધતા કારખાના, વધતું કાર્બન ઉત્સર્જન અને ઘટની વનસ્પતિ ગરમીના મોજાઓને વધુ સખત બનાવી શકે છે. ગ્રંથમ ઇન્સ્ટિટ્યુટના નિષ્ણાત મરીયમ ઝકરીયા કહે છે કે જો વિશ્વ કાર્બન ઉત્સર્જન ઘટાડવા વ્યાપક પગલા લેશે નહીં તો અત્યંત ગરમીને કારણે એશિયાએ વધુ સહન કરવું પડશે. સરકારોએ હવે પ્રદૂષણ ઘટાડવા માટે બિનલોકપ્રિય પગલાઓ પણ સખત બનીને ભરવા જ પડશે નહીંતર એક સમય એવો આવશે કે લોકો ઉનાળામાં કીડા મંકોડાની માફક ટપોટપ મરશે.