ભારતના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર અંગે મહત્વપૂર્ણ ખુલાસા કરતા તેને ચેસની રમત સાથે સરખાવ્યો. IIT મદ્રાસ ખાતે ભારતીય સેનાના સંશોધન સેલ ‘અગ્નિશોધ’ના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કહ્યું કે આ ઓપરેશન એક “ગ્રે ઝોન” હતું, જ્યાં દુશ્મનની આગામી ચાલની આગાહી કરવી મુશ્કેલ હતી.
જનરલ દ્વિવેદીના જણાવ્યા મુજબ, ચેસમાં જેમ વિરોધી પોતાની ચાલ કરે છે અને તમને તેને ‘ચેકમેટ’ આપવું પડે છે, તેમ જ આ ઓપરેશનમાં પણ સેનાને દુશ્મનના ગઢ સુધી જઈને જીત મેળવવી પડી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા ઓપરેશનમાં જોખમ મોટું હોય છે અને ક્યારેક પોતાના કેટલાક સાથીઓ ગુમાવવાના સંજોગો પણ આવે છે, પરંતુ આ જ સૈનિક જીવનની સાચી હકીકત છે.
આર્મી ચીફે પહેલગામ હુમલા અંગે પણ વાત કરી. તેમણે યાદ અપાવ્યું કે તા.22 એપ્રિલે થયેલા હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. તા.23 એપ્રિલે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પહેલીવાર સેનાને સ્વતંત્ર નિર્ણય લેવાની છૂટ આપી હતી. “હવે બહુ થયું” એવા શબ્દો સાથે આપવામાં આવેલા આદેશથી સેનાનું મનોબળ ઘણું વધ્યું અને એ પછી ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય એકતાનું પ્રતિક
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે તા.29 એપ્રિલે અમે પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. ઓપરેશન સિંદૂરના નામથી આખા દેશને એક કરવામાં આવ્યો. આ જ કારણ હતું કે આખો દેશ એક સ્વરમાં કહી રહ્યો હતો કે આપણે કેમ રોકાયા? આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવ્યો, અને તેનો પૂરતો જવાબ પણ આપવામાં આવ્યો હતો.
અગ્નિશોધનું ઉદ્ઘાટન
આ પ્રસંગે ઉદ્ઘાટન કરાયેલા ‘અગ્નિશોધ’ સંશોધન સેલનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે. IIT મદ્રાસમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે યુવા વૈજ્ઞાનિકો અને ઇજનેરોના પ્રયાસોથી જ દેશ રક્ષણ ક્ષેત્રમાં મજબૂત બની શકે છે.
ઓપરેશન સિંદૂરની આ અંદરની વાતો જનરલ દ્વિવેદીના નિવેદનો દ્વારા બહાર આવી છે, જે દર્શાવે છે કે સૈનિક રણનીતિમાં ચેસ જેવી વિચારશક્તિ, ધીરજ અને યોગ્ય સમયે યોગ્ય પગલા લેવા સક્ષમ નેતૃત્વ કેટલુ અગત્યનું છે.