સુરત : સરથાણામાં બે અજાણ્યાઓએ રસ્તે (Road) ચાલતા જતા એક વૃદ્ધને અટકાવીને ‘આગળ ચેકીંગ શરૂ છે, તમારા દાગીના કાઢી નાંખો’ તેમ કહીને વૃદ્ધની પાસેથી રૂા. 88 હજારના દાગીના સેરવી લઇને તેની જગ્યાએ રેતી-કપચી ભરેલી કાગળની પડીકી પકડાવી ચાલ્યા ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની અને સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતા કરમશીભાઇ દેવરાજભાઇ ચલોડીયા પુણા વિસ્તારમાં આવેલી આશાદિપ સ્કૂલની પાસે પ્રકૃતિ ફ્રૂડ નામનું સીંધવ મીઠાનું ગોડાઉન ધરાવે છે. મંગળવારે સવારના સમયે કરમશીભાઇ ગોડાઉન જવા નીકળ્યા ત્યારે બે અજાણ્યા ઇસમો મહાવીર સર્કલ પાસે આવ્યા હતા.
આ બંને ઇસમોએ અચાનક જ કરમશીભાઇની પાસેથી તેઓએ ગળામાં પહેરેલી સોનાની રૂદ્રાક્ષની માળા તેમજ હાથમાં પહેરેલી વીટી ચેક કરવા માંગી હતી. કરમશીભાઇએ આ બંને દાગીના બંને અજાણ્યા ઇસમોને આપી દીધા હતા. કરમશીભાઇની નજર ચૂક થતા બંનેએ કરમીશભાઇને એક પડીકુ આપ્યુ હતુ અને કહ્યું કે, આગળ ચેકીંગ ચાલુ છે. આ પડીકુ ખીસ્સામાં મુકી દો અને જતા રહો. કરમીશભાઇએ આગળ જઇને પડીકુ ચેક કરતા તેમાં રેતી અને કાકરા મળી આવ્યા હતા. કરમશીભાઇની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાતા તેઓએ સ્થાનિક લોકોને કહીને બંને અજાણ્યાને શોધ્યા હતા. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. બંને અજાણ્યાઓ રૂા.58 હજારની રૂદ્રાક્ષની સોનાની માળા તેમજ રૂા.30 હજારની કિંમતની વીંટી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સિમેન્ટની બેગ બનાવતી કંપની સાથે ટ્રાન્સપોર્ટ માલિકની 52.55 લાખની છેતરપિંડી
પલસાણા : પલસાણાના માંખીગા ખાતે આવેલી પ્લાસ્ટિકની પેકીંગ બેગો બનાવતી કંપની સાથે વાપીના એક ટ્રાન્સપોર્ટ સંચાલકે કંપની દ્વારા મોકલવામાં આવેલી 52.54 લાખના કિંમતની સિમેન્ટ ભરવાની 4.60 લાખ બેગો બારોબાર સગેવગે કરી ફોન બંધ કરી દેતા કંપનીએ ટ્રાન્સપોર્ટ સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી.
પલસાણાના માંખીગા ગામે બ્લોક નંબર 63માં આવેલ તિરુભવન કોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પ્લાસ્ટિકના દાણામાંથી સિમેન્ટની બેગો બનાવી પ્રિન્ટ કરી આપવાનું કામ કરે છે. આ ફેકટરીમાં અગાઉ રો મટેરિયલ ખાલી કરવા આવતો શ્યામભાઈ નામના ઈસમ છેલ્લા કેટલાક સમયથી વાપીમાં પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો શરૂ કર્યો હોવાનું કંપનીના મેનેજર વિમલ ભટાચાર્યને વિશ્વાસમાં લીધો હતો.
શ્યામભાઈએ મોકલાવેલી ગાડી નંબર GJ 15 AT 4768માં, DD 01 9110માં અ્ને ગાડી નંબર GJ 21 Y 1934ર ગત 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન પુણેની શ્રી સિમેન્ટમાં અને છત્તીસગઢ રાજ્યના જે.કે.લક્ષ્મી સિમેન્ટ પ્લાન્ટમાં ડિલિવરી કરવા માટે મોકલી બેગો ત્યાં પહોંચી ન હતી. ઠગાયાનું જણાતાં વિમલભાઈએ પલસાણા પોલીસ મથકમાં ટ્રાન્સપોર્ટ સંચાલક શ્યામભાઈ વિરુદ્ધ 4.62 લાખ નંગ સિમેન્ટની બેગો સગેવગે કરી કંપની સાથે 52,55,711 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.