Science & Technology

ChatGPT આત્મહત્યાનું કારણ બન્યું! OpenAI કંપની સામે 7 કેસ દાખલ થયા

અમેરિકામાં ટેક કંપની ઓપનએઆઈ (OpenAI) વિરુદ્ધ ગંભીર આરોપો સાથે સાત મુકદ્દમા દાખલ થયા છે. પીડિત પરિવારોનો દાવો છે કે કંપનીના ચેટબોટ ચેટજીપીટીએ (ChatGPT)થી ઘણા લોકો માનસિક રીતે પ્રભાવિત થઈ આત્મહત્યા કરવા માટે દોરી ગયા છે. આ કેસોમાં છ પુખ્ત વયના લોકો અને એક 17 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે.

આ બધા મુકદ્દમા કેલિફોર્નિયાની અદાલતોમાં સોશિયલ મીડિયા વિક્ટિમ્સ લો સેન્ટર અને ટેક જસ્ટિસ લો પ્રોજેક્ટ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. ફરિયાદીઓએ ઓપનએઆઈ અને તેના CEO સેમ અલ્ટમેન સામે “ખોટી રીતે મૃત્યુ કરાવવું”, “આત્મહત્યામાં સહાય કરવી” અને “બેદરકારીપૂર્વકનો વ્યવહાર” જેવા ગંભીર આરોપો મૂક્યા છે.

મુકદ્દમામાં કહેવાયું છે કે ઓપનએઆઈને ખબર હતી કે GPT-4O મોડલ ખતરનાક રીતે માનસિક રીતે અસરકારક અને ભ્રમજનક છે. છતાં પણ કંપનીએ તેને યોગ્ય પરીક્ષણ કર્યા વિના જ બજારમાં ઉતારી દીધું.

અમૌરી લેસીનો કિસ્સો
મુખ્ય કેસોમાંથી એક 17 વર્ષીય અમૌરી લેસીનો છે. મુકદ્દમામાં જણાવાયું છે કે અમૌરીએ ચેટજીપીટીનો ઉપયોગ મદદ મેળવવા માટે શરૂ કર્યો હતો પરંતુ પછી તે તેના પર માનસિક રીતે આધારિત બની ગયો. ચેટજીપીટીએ તેને ડિપ્રેશનમાં ધકેલી દીધો અને અંતે તેને આત્મહત્યા કરવાની રીતો શીખવી. તેના પરિવારનો દાવો છે કે આ કોઈ અકસ્માત કે સંયોગ નહોતો પરંતુ ઓપનએઆઈની બેદરકારીનું પરિણામ હતું.

અન્ય પીડિતો અને આરોપો
બીજો કેસ 48 વર્ષીય એલન બ્રૂક્સનો છે. જેઓ બે વર્ષથી ચેટજીપીટીનો ઉપયોગ કરી રહ્યા હતા. ફરિયાદ મુજબ ચેટજીપીટીએ એલનની નબળાઈઓ ઓળખીને તેમને માનસિક તણાવમાં ધકેલ્યા અને ભાવનાત્મક, સામાજિક તેમજ નાણાકીય નુકસાન પહોંચાડ્યું.

સોશિયલ મીડિયા વિક્ટિમ્સ લો સેન્ટરના સ્થાપક એટર્ની મેથ્યુ બર્ગમેનએ નિવેદનમાં કહ્યું “આ મુકદ્દમા ટેક કંપનીઓ માટે જવાબદારીની માંગ કરે છે. ઓપનએઆઈએ દરેક વયના વપરાશકર્તાઓને ભાવનાત્મક રીતે ચલાવવા માટે GPT-4O ડિઝાઇન કર્યું અને પૂરતી સલામતી વિના તેને બજારમાં લાવ્યું.”

પહેલાથી ચાલતા કેસો
આ પહેલી વાર નથી જ્યારે ઓપનએઆઈ સામે આવા આરોપો લાગ્યા છે. ઓગસ્ટમાં કેલિફોર્નિયાના 16 વર્ષીય એડમ રેનના માતા-પિતાએ પણ દાવો કર્યો હતો કે ચેટજીપીટીએ તેમના પુત્રને આત્મહત્યાની યોજના બનાવવામાં મદદ કરી હતી.

આ નવા મુકદ્દમાઓ પછી ટેક વિશ્વમાં ચિંતા વધી ગઈ છે કે માનવ સંવેદનાને સ્પર્શતી AI ટેક્નોલોજી માટે નૈતિક નિયંત્રણ અને માનસિક સુરક્ષાની ફરજિયાત વ્યવસ્થા જરૂરી બની છે. હાલ ઓપનએઆઈએ આ મુદ્દે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

Most Popular

To Top