Business

નિયમમાં ફેરફાર, હવે થોડા જ કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે

આજથી એટેલે કે તા. 4 ઓક્ટોબર શનિવારથી બેંક ચેક ક્લિયરિંગ સિસ્ટમમાં મોટો બદલાવ આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રજૂ કરાયેલા નવા નિયમો અનુસાર હવે બેંકમાં જમા કરાયેલા ચેક તે જ દિવસે થોડા કલાકોમાં ક્લિયર થશે. આ બદલાવથી લાખો બેંક ખાતેદારને નાણાકીય વ્યવહારોમાં ઝડપી સુવિધા મળશે.

અગાઉ ચેક ક્લિયર થવામાં સરેરાશ બે દિવસનો સમય લાગતો હતો. ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) બેચ-પ્રોસેસિંગ મોડ પર આધારિત હોવાથી ચેક સવાર, બપોર અથવા સાંજના બેચમાં સામેલ કરવામાં આવતા અને તે પ્રમાણે પ્રોસેસ થતા હતા. જો ચેક મોડા જમા કરાય તો તેની ક્લિયરિંગ પ્રક્રિયા બીજા કાર્યકારી દિવસે જ થઈ શકતી હતી. જેના લીધે પ્રક્રિયામાં 1 થી 2 દિવસનો સમય લાગતો હતો.

RBIની નવી સિસ્ટમ દ્વારા આમાં ફેરફાર કરવામાં આવશે. જે સતત ચેક ક્લિયરિંગ મોડ લાગુ કરે છે. આ સિસ્ટમ હેઠળ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેકની છબીઓ અને ડેટા તાત્કાલિક સ્કેન કરવામાં આવશે અને ક્લિયરિંગ હાઉસને મોકલવામાં આવશે. જેણે સાંજે 7 વાગ્યા સુધીમાં ચેકની પુષ્ટિ કરવી આવશ્યક રહેશે. જેથી ચેક ક્લિયરિંગની પ્રક્રિયા ઝડપી બનશે.

RBIએ ઓગસ્ટ 2025માં આ નિર્ણય જાહેર કર્યો હતો કે CTS સિસ્ટમને બે તબક્કામાં પરિવર્તિત કરવામાં આવશે. પહેલો તબક્કો આજથી એટલે કે તા. 4 ઓક્ટોબરથી શરૂ થયો છે. જ્યારે બીજો તબક્કો તા.3 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે.

આ નવો નિયમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

તબક્કો 1:
તા. 4 ઓક્ટોબર 2025થી 2 જાન્યુઆરી 2026 સુધી બેંકો પાસે ચેકની પુષ્ટિ માટે સાંજે 7:00 વાગ્યા સુધીનો સમય રહેશે.

તબક્કો 2: તા. 3 જાન્યુઆરી 2026 થી બેંકો પાસે ચેક પુષ્ટિ કરવા માટે ફક્ત ત્રણ કલાકનો સમય રહેશે. જો ચેક સવારે 10:00 વાગ્યે મોકલવામાં આવે છે. તો તેને બપોરે 2:00 વાગ્યા સુધીમાં ક્લિયર કરવાની જરૂર પડશે. જે ક્લિયરન્સને વધુ ઝડપી બનાવશે.

આ નવી સિસ્ટમ શરૂઆતમાં દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોના ક્લિયરિંગ ગ્રીડમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ દેશભરમાં તેનો વિસ્તાર થશે.

નવા નિયમના ફાયદા:

  • ચેક હવે બે દિવસને બદલે થોડા કલાકોમાં ક્લિયર થશે.
  • સમગ્ર દેશમાં સમાન ગતિથી ચેક પ્રોસેસિંગ થશે.
  • બેંકિંગ સિસ્ટમ વધુ કાર્યક્ષમ, સરળ અને પારદર્શક બનશે.
  • વેપારીઓ અને વ્યવસાયો માટે ઝડપી ચુકવણી શક્ય બનશે.

આ નવા નિયમો અમલમાં આવતા ચેક આધારિત વ્યવહારોમાં ઝડપી બનશે. હવે બે દિવસની રાહ જોવાની જગ્યાએ થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થવાથી સામાન્ય ગ્રાહકથી લઈને મોટા વેપારી સુધી દરેકને લાભ થશે.

Most Popular

To Top