બિહાર: ઝારખંડના (Jharkhand) રાજકારણમાં પાછલા કેટલાક દિવસોથી સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન (Champai Soren) પોતાની જ પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા અને હેમંત સોરેન (Hemant Soren) વિરુદ્ધ થઈ ગયા હતા. દરમિયાન ચંપાઈએ પાર્ટી પર તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પોતાના આ વિરોધનું કારણ પણ જણાવ્યું હતું.
થોડા દિવસો પહેલા જ હેમંત સોરેનની પાર્ટીની વિરુદ્ધમાં જતા ચંપાઈ સોરેનએ જાહેરાત કરી હતી કે તેમની પાસે હવે ત્રણ વિકલ્પો છે: રાજકારણમાંથી નિવૃત્તિ, પોતાની અલગ પાર્ટીનું નિર્માણ અથવા જો રાજનીતિના રસ્તામાં કોઈ સાથીદાર મળે તો તેની સાથે આગળ મુસાફરી. જો કે, હવે વિધાનસભા ચૂંટણી પહેલા ચંપાઈ સોરેને એટલું સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં લે. તેમજ તેઓ પોતાની અલગ પાર્ટીનું નિર્માણ કરશે. પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતુ કે રાજ્યના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે તેમણે રાજનીતિમાં રહેવું ખુબ જ જરૂરી છે.
પોતાના નિવેદનમાં ચંપાઈ સોરેને કહ્યું હતું કે તેઓ રાજકારણમાંથી સંન્યાસ લેશે નહીં. અધૂરા કામો પૂરા કરવા માટે તેમના માટે રાજકારણમાં રહેવું જરૂરી છે. તેઓ એક અઠવાડીયામાં પોતાના રાજકીય ભવિષ્ય અંગે નિર્ણય લેશે. આ અંગે પૂર્વ સીએમએ પોતાના નિવેદનમાં વધુમાં ઉમેર્યું હતું કે, ‘હું રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ નહીં. મેં ત્રણ વિકલ્પો આપ્યા હતા, સન્યાસ, નવી પાર્ટી અને મિત્ર. હું સન્યાસ લઈશ નહીં, હું પાર્ટીને મજબૂત કરીશ, નવી પાર્ટી બનાવીશ અને જો મને રસ્તામાં કોઈ સારા મિત્ર મળી જશે તો હું તેમની સાથે આગળ વધીશ.’
અલગ પાર્ટી બનાવવાની જાહેરાત બાદ ચંપાઈ સોરેને ઓફ ધ રેકોર્ડ કહ્યું હતું કે જ્યારે તેઓ સીએમ બન્યા હતા ત્યારથી જ જે રીતે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું, તે સમજાવી શકાય તેમ નથી. ત્યારે એક બાબત તો સ્પષ્ટ થઇ ગઇ હતી કે ચંપાઈ સોરેનનો ગુસ્સો સીધો મુખ્યમંત્રી હેમંત સોરેન તરફ હતો.
ચંપાઇ સોરેને પોતાની પાર્ટી ઉપર આરોપ લગાવ્યો હતો કે જુલાઇના પ્રથમ અઠવાડીયામાં તેમના તમામ સરકારી કાર્યક્રમો તેમની જાણ વગર પાર્ટીના નેતૃત્વ દ્વારા અચાનક રદ કરવામાં આવ્યા હતા અને તે સમયે તેઓ મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હતા. આ મામલે તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જ્યારે મેં કાર્યક્રમ રદ્દ કરવાના કારણો વિશે પૂછ્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે 3 જુલાઈએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક છે અને ત્યાં સુધી હું કોઈ સરકારી કાર્યક્રમમાં ભાગ લઈ શકીશ નહીં.’ આ બાબત તેમને ખુબ જ અપમાનજનક લાગી હતી.
આટલું જ નહીં પણ તાજેતરમાં જ ચંપાઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી, જેમાં ખૂબ ‘આત્મનિરીક્ષણ’ પછી તેમણે તેમના ભવિષ્ય માટે ત્રણ સંભવિત વિકલ્પો વિશે વાત કરી હતી. ત્યારે JMM નેતાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેમના આત્મસન્માનને ફટકો પડ્યો છે અને તેમને પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે કડવો અનુભવ થયો છે, જેના કારણે તેમને વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડી છે.
હાલમાં જ કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પુષ્ટિ કરી હતી કે ચંપાઈ સોરેન રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ભાગ બનવા જઈ રહી છે. ચંપાઈ સોરેનને ટેગ કરતાં જીતન રામ માંઝીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ચંપાઈ દા તમે ટાઈગર હતા, ટાઈગર છો અને ટાઈગર જ રહેશો. એનડીએ પરિવારમાં આપનું સ્વાગત છે. જોહર ટાઇગર્સ. જોકે નવી પાર્ટીના નિર્માણની જાહેરાત બાદ ચંપાઇ સોરેન ભાજપમાં જોડાય તેવી અટકળોને વિરામ મળી ગયો છે.