સુરત : ચેઇન સ્નેચિંગમાં (chain snatching) 75 વર્ષીય વૃદ્ધાની મદદથી 20 વર્ષીય યુવાન તથા 30 વર્ષીય રિક્ષાચાલક દ્વારા પાલનપુર જકાતનાકા ખાતે રહેતા સીતાબેન ઉપાલેની 60,000ની સોનાની ચેઇન (Gold Chain) આંચકી લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
તા. 9મીના રોજ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ કાંસકીવાડ ખાતે 75 વર્ષીય વૃદ્ધાએ આ બે ઇસમો સાથે મળીને સીતાબેન ઉપાલેને જણાવ્યું હતું કે પાછળ દાઢીવાળો માણસ આવી રહ્યો છે તે બધાના મંગળસૂત્ર અને સોનાની ચેઇન કાઢી લે છે. તેથી તમે તમારી સોનાની વિંટી અને મંગળસૂત્ર થેલીમાં મૂકી દો. સીતાબહેન પણ વૃદ્ધાની વાતોમાં આવી ગયા અને તે પ્રમાણે કર્યું. ત્યારબાદ 75 વર્ષીય વૃદ્ધા દ્વારા પોતાનું પાકિટ ચોરાઇ ગયું છે તેમ જણાવીને વાતોમાં ભેળવી સીતાબેન ઉપાલેની થેલી સંતાડી દીધી હતી. આ થેલીમાં રહેલી સોનાની વિંટી, 5000 અને સોનાનું મંગળસૂત્ર 60,000ની ચોરીની ફરિયાદ લાલગેટ પોલીસ મથકે કરવામાં આવી હતી.
નવસારીમાંથી ચોરીની બાઈક અને મોબાઈલ સાથે એક ઝડપાયો
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ગ્રીડ ચાર રસ્તા પાસેથી ચોરીની બાઈક અને મોબાઈલ સાથે એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ બાતમીના આધારે ગ્રીડ ચાર રસ્તા પાસે વોચમાં હતા. દરમિયાન એક કાળા રંગની નંબર વગરની હોન્ડા ડ્રીમ યુગા બાઈક લઈને આવતા અને નવસારી તાલુકાના નસીલપોર ગામે મદીનાનગર સોસાયટીમાં રહેતા યુસુફ ગુલમહમદ પઠાણને ઝડપી પાડયો હતો. પોલીસે યુસુફની પૂછપરછ કરતા મોબાઈલ અને બાઈક બાબતે માલિકી અંગેના કોઈ પુરાવા ન હોવાનું જણાવી ગલ્લા-તલ્લા કરી ઉડાઉ જવાબ આપી કોઈ સંતોષકારક ખુલાસો કર્યો ન હતો. જેથી પોલીસે યુસુફની ધરપકડ કરી 20 હજારની બાઈક અને ૫ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 25 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વાપી પોલીસને ચકમો આપી 2 વર્ષથી ફરાર 3 ઈસમને એલસીબીએ ઝડપી પાડયા
વાપી:વાપી ટાઉન, જીઆઈડીસી અને ડુંગરા પોલીસ મથકમાં 3 ઈસમ સામે જે તે સમયે ગુના નોંધાયેલા હતા. તેઓ પોલીસને ચકમો આપી છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યા હતાં. નોંધનીય છે કે, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકની સૂચના બાદ એલસીબી ટીમે ત્રણેય ઈસમને વાપીના જુદા-જુદા વિસ્તારોમાંથી જ ઝડપી પાડી તમામને જેતે પોલીસ મથકે સોંપી દીધા હતાં.
વલસાડ જિલ્લામાં ભાગતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ જિલ્લા એલસીબી પીઆઈ વી.બી.બારડના માર્ગ દર્શન હેઠળ એલસીબી ટીમ વોન્ટેડ ઈસમોને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન વાપી જીઆઈડીસી, ટાઉન અને ડુંગરા પોલીસ મથકે વિવિધ ગુનાઓમાં બે વર્ષથી ભાગતા-ફરતા ઈસમોને એલસીબી ટીમે ઝડપી પાડયા હતાં. જેમાં વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં એમ.વી.એકટ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ નોંધાયેલ ગુનાનો વોન્ટેડ રાહીલ રફીક નાંદોલીયા (ઉં.44, રહે. જોગેશ્વરી વેસ્ટ, મુંબઈ) ને વાપી જીઆઈડીસી, વૈશાલી ચાર રસ્તા બ્રીજ નીચેથી પકડી પાડવામાં આવ્યો હતો. જયારે વાપી ડુંગરા પોલીસ મથકમાં પ્રોહિ.એકટમાં વોન્ટેડ ઈલેશ મંગુભાઈ પટેલ (ઉં.23, રહે. કોચરવા, વાપી) ને વાપી ડુંગરી ફળિયા હનુમાન મંદિર પાસેથી અને વાપી ટાઉન પોલીસ મથકનો પ્રોહી.એકટનો વોન્ટેડ જુમ્માખાન બાબુખાન (રહે. ભચાઉ, જી.કચ્છભુજ) ને વાપી ગોદાલ નગરથી ઝડપી પાડવામાં આવ્યા હતાં અને તમામને જે-તે પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.