હાલની કેન્દ્ર સરકાર વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂકોમાં વિલંબ બાબતે પણ ખૂબ ટીકાપાત્ર રહી છે. દેશની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કુલપતિઓ કે અન્ય હોદ્દેદારોની નિમણૂકોમાં થયેલ વિલંબ બદલ પણ કેન્દ્ર સરકાર અગાઉ ઘણી ટીકાઓનો ભોગ બની ચુકી છે. સર્વોચ્ચ અદાલત અને દેશના વિવિધ રાજ્યોની વડી અદાલતો એટલે કે હાઇકોર્ટોમાં જજોની નિમણૂકોને મંજૂરી આપવામાં વિલંબ બાબતે પણ કેન્દ્ર સરકારની ટીકાઓનો સામનો કરી ચુકી છે. હવે હાલમાં સુપ્રીમ કોર્ટે દેશની વિવિધ ટ્રિબ્યુનલોમાં જ્યુડિશ્યલ તથા અન્ય હોદ્દેદારોની મોટી સંખ્યામાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ અંગે કેન્દ્ર સરકારની સખત ઝાટકણી કાઢી હતી.
ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી જગ્યાઓ બાબતની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે એક ખાસ બેન્ચ રચી હતી અને તે બેન્ચનું વડપણ ખુદ ચીફ જસ્ટિસ એન.વી. રમણ કરી રહ્યા હતા, આ બાબત ટ્રિબ્યુનલોમાં ખાલી પડેલી જગ્યાઓની બાબતને સુપ્રીમ કોર્ટે કેટલી ગંભીરતાથી લીધી છે તે સૂચવે છે. સુપ્રીમ કોર્ટૈ ઝાટકણી કાઢી તે પછી કેન્દ્ર સરકારે કેટલીક ટ્રિબ્યુનલોમાં થોડીક નિમણૂકો કરી છે ખરી, પણ હજી ઘણી જગ્યાઓ ખાલી છે. અઢીસો જેટલી ખાલી જગ્યાઓમાંથી હાલમાં ૩૧ જેટલી જગ્યાઓ પૂરવામાં આવી છે છતાં હજી મોટા ભાગની જગ્યાઓ ખાલી છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટ્રિબ્યુનલોમાં અધિકારીઓની નિમણૂકો નહીં કરીને આ અર્ધ-અદાલતી સંસ્થાઓને પ્રભાવહીન બનાવી રહી છે અને અમારી ધીરજની કસોટી કરી રહી છે. ટ્રિબ્યુનલો પ્રિસાઇડિંગ ઓફિસરો અને જ્યુડિશ્યલ અને ટેકનિકલ સભ્યોની તીવ્ર અછત અનુભવી રહી છે, સુપ્રીમ કોર્ટે આ બાબતે ૧૩ સપ્ટેમ્બર સુધીમાં પગલાંની માગણી કરી છે. પોતે સરકાર સાથે કોઇ સંઘર્ષ ઇચ્છતી નથી એમ જણાવતા ચીફ જસ્ટિસ એન.વી. રમણની અધ્યક્ષતા હેઠળની એક સ્પેશ્યલ બેન્ચે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તે વહેલી તકે ટ્રિબ્યુનલોમાં કેટલીક નિમણૂકો કરે. કેટલીક ટ્રિબ્યુનલો અને એપેલેટ ટ્રિબ્યુનલો જેવી કે એનસીએલટી, ડીઆરટી, ટીડીસેટ એન્ડટીમાં ૨૫૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે.
નિમણૂકો નહીં કરીને તમે ટ્રિબ્યુનલોને પ્રભાવહીન બનાવી રહ્યા છો એમ જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ નાગેશ્વરા રાવનો પણ સમાવેશ ધરાવતી આ ટ્રિબ્યુનલે જણાવ્યું હતું. દેખીતી રીતે ટ્રિબ્યુનલોમાં નિમણૂકો કરવાની બાબતમાં વિલંબ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખૂબ સખત શબ્દોમાં ઝાટકી છે અને આ બાબતે સુપ્રીમ કોર્ટનો રોષ વાજબી પણ છે. ટ્રિબ્યુનલો એ અર્ધ અદાલતી સંસ્થાઓ ગણાય છે અને વિવિધ ક્ષેત્રોના અમુક ખાસ પ્રકારના વિવાદો આ સંસ્થાઓમાં સુનાવણી માટે જાય છે. દેશની કેટલીક ટ્રિબ્યુનલો તો ખૂબ મહત્વના ક્ષેત્રોને લગતા વિવાદો હાથ ધરે છે અને આ ટ્રિબ્યનલોની કામગીરી અને તેમના ચુકાદાઓ દેશને માટે, ખાસ કરીને દેશના અર્થતંત્રના સંદર્ભમાં ઘણા મહત્વના બની રહે છે. આવી ટ્રિબ્યુનલોમાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ(એનસીએલટી) અને ટેલિકોમ ડિસ્પુટ સેટલમેન્ટ ટ્રિબ્યુનલ (ટીડીસેટ)નો સમાવેશ થાય છે.
એનસીએલટી દેશની વિવિધ કંપનીઓને લગતા વિવાદો હાથ ધરે છે, તો ટીડીસેટ ટેલિકોમ સેકટરના વિવાદો હાથ ધરે છે. આવી ટ્રિબ્યુનલોના આદેશો કેટલીક વખત તો દેશના ઉદ્યોગ જગત અને અર્થ તંત્ર માટે દૂરગામી અસરો કરનારા નિવડે છે. વળી, ટ્રિબ્યુનલોમાં ખાલી જગ્યાઓ બાબતની સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીને પણ વિલંબીત કરવાના પ્રયાસ બાબતે પણ સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને વિનંતી કરી હતી કે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ હાલ ઉપલબ્ધ નહીં હોવાથી સુનાવણી મોકૂફ રાખવામાં આવે, ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ના, સોરી, ગયા વખતે અમે સ્પષ્ટ કર્યું જ હતું. અમે બે રેગ્યુલર બેન્ચોને ડિસ્ટર્બ કરીને આ સ્પેશ્યલ બેન્ચ બનાવી છે…આ અદાલતોના ચુકાદા પ્રત્યે કોઇ માન નથી એમ અમને લાગે છે.
તમે અમારી ધીરજની કસોટી કરી રહ્યા છો એમ તેમણે કહ્યું હતું. બેન્ચે કહ્યું હતું કે ટ્રિબ્યુનલોમાં વર્ફ ફોર્સના અભાવે સર્વોચ્ચ અદાલતે બોજ સહન કરવો પડે છે. સુપ્રીમ કોર્ટનો રોષ અને ચિંતા વાજબી છે. નેશનલ ટ્રિબ્યુનલોમાં પુરતા કર્મચારીઓ નહીં હોય તો કેસો છેવટે સુપ્રીમ કોર્ટમાં આવે છે અને અગાઉથી જ વધારે પડતા કેસોનું ભારણ સહન કરી રહેલ સુપ્રીમ કોર્ટને વધુ બોજનો સામનો કરવો પડે છે. વિવિધ ટ્રિબ્યુનલોમાં કેન્દ્ર સરકારે અઢીસો જેટલી જગ્યાઓ ખાલી પડવા જ કેમ દીધી? એ એક નવાઇની બાબત છે. દેશમાં વકીલો અને કાનૂની નિષ્ણાતોનો અભાવ નથી અને ટ્રિબ્યુનલોમાં નિમણૂક મેળવવા માટેના લાયક ઇચ્છુકોનો પણ અભાવ હોય તેવું નથી, ત્યારે આ નિમૂણકોમાં વિલંબ એ આશ્ચર્યજનક બાબત છે.