Editorial

જાતિગત વસતી ગણતરીનો કેન્દ્ર સરકારનો નિર્ણય દેશમાં જાતિવાદ જ વધારશે

કોંગ્રેસ દ્વારા જેની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી તેવી જાતિગત વસતી ગણતરી માટે કેન્દ્ર સરકાર તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા જાતિગત વસતી ગણતરીનો મુદ્દો ઉઠાવીને જે રીતે રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તેને જોતા ભાજપે વિપક્ષો તેનો મોટો લાભ નહીં લઈ જાય તે માટે જાતિગત વસતી ગણતરીનો નિર્ણય લઈને વિપક્ષ પાસેથી મુદ્દો છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે. મોદી સરકારે આજે કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લીધો હતો.

ભાજપે રાજકીય રીતે કોંગ્રેસ સહિતના વિપક્ષો પર એવી રીતે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસની અગાઉની સરકારો દ્વારા જાતિગત વસતી ગણતરીનો વિરોધ કર્યો હતો. જોકે, હવે આ મુદ્દે કયા પક્ષને કેટલો રાજકીય લાભ મળશે તે તો સમય જ કહેશે. ભારતમાં સને 1951થી દર 10 વર્ષના અંતરે  જાતિગત વસતી ગણતરી કરવામાં આવતી હતી. જોકે, 2021માં કોરોનાને કારણે આ વસતીગણતરી કરવામાં આવી નહોતી. જેને કારણે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર પણ અપડેટ કરવામાં આવ્યું નહોતું. વસતી ગણતરીના આંકડા હવે 2026માં જાહેર કરવામાં આવશે. જેને કારણે હવે વસતી ગણતરી આગામી વર્ષોમાં 2035, 2045 એમ દર દસ વર્ષે ગણવામાં આવશે. વસતી ગણતરીની જોકે, હજુ સુધી નવી કોઈ જ તારીખ નક્કી કરવામાં આવી નથી.

વસતી ગણતરીના આંકડા સરકાર માટે નીતિઓ બનાવવા અને તેનો અમલ કરવાની સાથે દેશના સંશાધનોનું સમાન વિતરણ કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. વસતી ગણતરીથી માત્ર વસતી જ નહીં પરંતુ વસતી વિષયક માહિતી, આર્થિક સ્થિતિ સહિત અનેક મહત્વપૂર્ણ પાસાઓ વિશે માહિતી તૈયાર કરી શકાય છે. અત્યાર સુધી દેશમાં જાતિ પ્રમાણે વસતી ગણતરી થઈ નહીં હોવાથી કઈ જાતિની કેટલી વસતી છે તેની માહિતી મળી શકતી નહોતી.

આ કારણે જ કોંગ્રેસ દ્વારા જાતિગત વસતી ગણતરી કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. ભારતમાં પ્રથમ વસતી ગણતરી વર્ષ 1872માં કરવામાં આવી હતી અને છેલ્લે 2011માં વસતી ગણતરી થઈ હતી.2011માં ભારતની વસતી 121 કરોડ હતી. જ્યારે દર 1000 પુરૂષે મહિલાઓની સંખ્યા  940 જોવા મળી હતી. સાક્ષરતા દર પણ આ વસતી ગણતરી વખતે 74.04 ટકા હતો. આ વખતે વસતી ગણતરીના આંકડાઓ જાહેર થતાં સાક્ષરતા દર વધવાની સંભાવના જોવાઈ રહી છે.

મોદી સરકારે ભલે હાલમાં જાતિગત વસતી ગણતરીનો નિર્ણય કર્યો પરંતુ તેનો લાભ લેવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષો જરૂર પ્રયાસો કરશે. જાતિગત વસતી ગણતરીથી એવું થશે કે જાતિ પ્રમાણે અનામત નક્કી થશે. જાતિગત વસતી ગણતરીથી આખા દેશમાં અનામતનું માળખું જ બદલાઈ જશે. કોંગ્રેસ હોય કે ભાજપ, દરેક પક્ષોને જાતિઓને ખુશ રાખવા માટે નવા રાજકીય રંગ લાવવાનો મોકો મળશે. જાતિગત વસતી ગણતરી અત્યાર સુધી થઈ નહીં હોવાથી રાજકીય પક્ષોને ખબર જ પડતી નહોતી કે કઈ જ્ઞાતિને ખુશ રાખવી પરંતુ આ વસતી ગણતરી બાદ બની શકે છે કે જેની વધુ વસતી હશે તેવી જાતિને પોતાના હાથમાં રાખવા માટે રાજકીય પક્ષો દોડશે.

મોદી સરકારનો જાતિગત વસતી ગણતરીનો નિર્ણય આમ તો દેશના લાભમાં નથી. કારણ કે આને કારણે જાતિ પ્રમાણે અનામતની સાથે સાથે સરકારી લાભોની નવી જ વ્યાખ્યા ઉભી થશે. જાતિવાદ વધુ પ્રબળ બનશે. દેશની મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહેલા લોકો પણ આ જાતિગત વસતી ગણતરીને કારણે જાતિના ભેદભાવમાં જોડાશે. જેનાથી દેશને નુકસાન થવાની સંભાવના વધારે છે. ખરેખર તો કેન્દ્ર સરકારે એ ગણતરી કરવાની જરૂરીયાત છે કે કઈ જાતિ આર્થિક રીતે કેટલી પછાત છે. આ ગણતરીના આધારે દર વર્ષે પછાત જાતિને અનામત આપવાનો અને એવી રીતે તમામ જાતિને પછાતની શ્રેણીમાંથી બહાર લાવીને એક સામાન્ય કેટેગરી ઊભી કરવાની જરૂરીયાત છે પરંતુ રાજકીય પક્ષો તેને માનવા માટે તૈયાર થાય તેમ નથી.

દેશના નાગરિકોને હાલમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે આગળ લાવવાની જરૂરીયાત છે. જો આમ થશે તો જ દેશની પ્રગતિ થશે. આઝાદી વખતે જાતિવાદ હતો પરંતુ તેમાં એટલી ઉગ્રતા નહોતી. ધીરેધીરે આ ઉગ્રતા વધી રહી છે અને જાતિગત વસતી ગણતરી બાદ આ ઉગ્રતામાં મોટો વધારો થવાની સંભાવના છે. જોકે, રાજકીય માહોલ જ એવો છે કે કોંગ્રેસ લાભ લે તે પહેલા ભાજપ લાભ લેવા માંગી રહી છે અને જાતિગત વસતી ગણતરીનો નિર્ણય લીધો છે ત્યારે હવે આગામી દિવસોમાં આ જાતિગત વસતી ગણતરીની શું અસરો થશે તે સમય જ કહેશે તે નક્કી છે.

Most Popular

To Top