Gujarat

મોંઘવારી રોકવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ : કોંગ્રેસ

અમદાવાદ : આજે સામાન્ય જનતાની સૌથી મોટી સમસ્યા મોંઘવારી બની ગઈ છે, છતાં સરકાર આ મુદ્દે અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. દેશનો સામાન્ય નાગરિક, ખેડૂત, મજૂર, મધ્યવર્ગ અને ગૃહિણીઓ મોંઘવારીની મારથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારાને કારણે રસોડાનું બજેટ બગડી રહ્યું છે અને કરોડો પરિવારોની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. ત્યારે તાત્કાલિક મોધવારીને કાબુ લેવા મહિલા કોગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.

દેશમાં વધી રહેલી મોંઘવારી મુદ્દે પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતુ કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો તેમજ ખાદ્ય તેલ, દાળ, શાકભાજી અને રોજિંદી જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ મોંઘી થતાં સામાન્ય પરિવારોની કમર તૂટી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલ પર વધારાના કર અને આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રણમાં સરકારની નિષ્ક્રિયતા કારણે જનતા પર સતત આર્થિક બોજો વધી રહ્યો છે. જ્યારે દેશની જનતા મોંઘવારીથી પરેશાન છે ત્યારે સરકાર અન્ય મુદ્દાઓ ઉછાળી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગીતાબેન પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. જેમાં પેટ્રોલ અને ડીઝલ પર લગાવવામાં આવેલા વધારાના કરોમાં તાત્કાલિક ઘટાડો, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સામાન્ય પરિવારોને રાહત, ખાદ્યપદાર્થો અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ નિયંત્રિત કરવા માટે અસરકારક નીતિ અમલમાં મુકવી તેમજ મોંઘવારીથી પ્રભાવિત ગરીબ અને મધ્યવર્ગના પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ સામેલ છે. મોંઘવારી આજે દેશનો સૌથી મોટો જનમુદ્દો બની ગઈ છે અને મહિલા કોંગ્રેસ આ મુદ્દાને સંસદથી લઈને સડક સુધી મજબૂતીથી ઉઠાવતી રહેશે.

Most Popular

To Top