ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election)નું રણશીંગુ ફૂંકાઈ રહ્યું છે. ચૂંટણીઓને લઈને ચૂંટણી પંચે(Election Commission Of India) પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. આવતીકાલથી 2 દિવસ માટે કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ ગુજરાતનાં પ્રવાસે આવી રહી છે. 2022ની ચૂંટણીની તૈયારી માટે ચૂંટણી પંચ પહેલી મોટી બેઠક કરશે. આ બેઠકમાં તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ જોડાશે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તો કલેક્ટર અને પોલીસ વડા પોતાના જિલ્લાની ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન કરશે.
ચૂંટણી પહેલા બેઠક મહત્વની
કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાતમાં બેઠક ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. શનિવાર અને રવિવારનાં રોજ અમદાવાદમાં એક ખાનગી હોટેલમાં બેઠક યોજાશે. જેમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડા ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ મતદાર યાદી, મતદાન મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચૂંટણી પંચ દ્વારા નીરિક્ષણ કરવામાં આવશે. તમામ જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારી છે તે SP સ્તરે હોય કે કલેક્ટર સ્તરે તેનું એક પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યુ છે. જેને કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ સમક્ષ રજુ કરવામાં આવશે.
રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ચૂંટણી પંચ દ્વારા પ્રથમ મુલાકાતથી જ ચૂંટણીને લઇને એક માહોલ ઊભો કરવામાં આવતો હોય છે.એટલે કે આવતીકાલથી ગુજરાતની ચૂંટણીને લઇેન કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત પર સીધી નજર રાખશે. ચૂંટણીને લઇને તમામ સમીક્ષા કરશે. રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયા બાદ આગામી મહિનામાં અંતિમ મત યાદી જાહેર કરવામાં આવશે. ત્યારે મતદાર યાદી, મતદાન માટેની તૈયારીઓ વગેરે અંગે પણ સમીક્ષા આ મુલાકાત દરમિયાન કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત મુલાકાત અગાઉ જ રાજ્ય સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતુ. જેમાં ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્યાને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિમણૂંક કરી છે. જ્યારે ગાંધીનગર કલેક્ટર તરીકે ગાંધીનગર ડીડીઓ સુરભી ગૌતમને ચાર્જ સોંપ્યો છે.
ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતાઓ છે. કેટલાક રાજકિય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો કેટલીક પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચની મુલાકાત મહત્વની રહેશે.