ગાંધીનગર : ગુજરાતમાં શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા પર હાલ માટે બ્રેક લાગી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરીને મોકૂફ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે નવી તારીખ ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે.દેશવ્યાપી રીતે 1 એપ્રિલથી 16મી વસ્તી ગણતરી (Census 2027) નો પ્રથમ તબક્કો શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ‘હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ’ (HLO)નો સમાવેશ થાય છે. આ તબક્કો 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલવાનો છે. પરંતુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના કારણે આ પ્રક્રિયા હાલ અટકાવવામાં આવી છે. આ વખતની વસ્તી ગણતરી અનેક રીતે ઐતિહાસિક બની રહી છે. દેશમાં પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ સેન્સસ હાથ ધરવામાં આવી રહી છે. પરંપરાગત ફોર્મની જગ્યાએ મોબાઈલ એપ અને ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ થશે. નાગરિકોને સેલ્ફ-એન્યુમરેશનની સુવિધા પણ આપવામાં આવી છે, જેમાં લોકો પોતે જ પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે. દરેક રાજ્ય માટે 15 દિવસની ખાસ વિન્ડો આપવામાં આવશે, જેમાં લોકો સ્વયં ગણતરી કરી શકશે. સાથે જ દરેક ઘરનું જિયો-મેપિંગ કરવામાં આવશે, જેથી કોઈપણ ઘર ગણતરીથી બાકાત ન રહે.
ગુજરાતમાં તારીખો પાછળ ઠેલાઈ ગુજરાતમાં વસ્તી ગણતરી 5 એપ્રિલથી શરૂ થઈ 19 મે સુધી ચાલવાની હતી. તેમજ 20 એપ્રિલથી ઘર-ઘર જઈને ગણતરી કરવાની કામગીરી શરૂ થવાની હતી. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોને કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં ઘર, સુવિધાઓ, પરિવારની માહિતી સહિતના વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
બીજા તબક્કામાં જાતિ આધારિત માહિતી
ફેબ્રુઆરી 2027માં યોજાનારા બીજા તબક્કામાં નાગરિકોની જાતિ અંગે માહિતી એકત્રિત કરવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર આ પ્રકારની માહિતી સત્તાવાર રીતે લેવામાં આવશે. અગાઉ 1931માં છેલ્લે જાતિ આધારિત ગણતરી થઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે સરકારી તંત્ર વ્યસ્ત રહેવાનું હોવાથી વસ્તી ગણતરીની કામગીરી પ્રભાવિત થવાની શક્યતા હતી. જનગણના વિભાગે આ અંગે સરકારમાં દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.હાલ પુરતી ગુજરાતમાં વસ્તી ગણતરી પર વિરામ લાગી ગયો છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ મહત્વપૂર્ણ પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે.