ગાંધીનગર : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા તરીકે પ્રમુખસ્વામી મહારાજની વરણીને ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડે સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ભવ્ય અને દિવ્ય સમારોહ યોજાયો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજના ગુણોમાંથી જીવનનો સાર કાઢી શકાય અને જીવનને ઉપયોગી વાતો અપનાવી શકાય એમ છે. સાબરમતી નદીના કિનારે પણ પ્રમુખ સ્વામીના જીવનના ૭૫ ગુણો નૌકાઓના માધ્યમથી પ્રદર્શિત કરાયા છે, જે લોકોને જીવન જીવવાનો રસ્તો પ્રદર્શિત કરવાનું કામ કરે છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન અને યોગદાનની દ્રષ્ટિએ જોઈએ તો, તેમણે એક તરફ તો આધ્યાત્મ અને વૈષ્ણવ દર્શનને વ્યાપક બનાવ્યું અને વ્યાપક બનાવવા કરતાં પણ વધુ મોટું કાર્ય તેને વ્યવહારુ બનાવવાનું કર્યું. તેમણે ભક્તિ અને સેવા બંનેને એકબીજા સાથે જોડીને, ‘નરમાં જ નારાયણના દર્શન કરવાના’ આપણા વેદ વાક્યને કશું જ બોલ્યા વગર ચરિતાર્થ કરવાનું કામ કર્યું છે.

શાહે કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે કરુણાના માધ્યમથી બીજા જીવનો ઉદ્ધાર કરવાની આપણી વર્ષો જૂની ઋષિ સંસ્કૃતિને પ્રસારીને ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય, પરંતુ સમગ્ર સનાતન ધર્મ માટે બહુ મોટું કામ કર્યું છે. સનાતન ધર્મના અનેક સંપ્રદાયોમાં સંતનું તત્વ સંચિત કરવાનું કામ તેમણે કોઈ ઉપદેશ આપ્યા વગર કર્યું અને સંત સમાજની સન્યાસ વ્યવસ્થાને સુદ્રઢ કરી. શાહે કહ્યું હતું કે, ધીરે ધીરે સમાજમાં ભાગવત શ્રદ્ધા ઘટતી જતી હતી, ત્યારે પ્રમુખસ્વામી મહારાજ અને તેમના હજારો સંતોએ પોતાના આચરણથી સનાતન ધર્મ માટે સંદેશ ફેલાવીને એ શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી છે.