હાલ પુણેમાં એક આત્મકથાના સુધારેલા સંસ્કરણના વિમોચન પ્રસંગે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે 1962ના ભારત-ચીન યુદ્ધ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે જો તે “યુદ્ધ વખતે ભારતીય વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો ચીની હુમલો નોંધપાત્ર રીતે નબળો પાડી શકતે”
CDS જનરલ અનિલ ચૌહાણે 1962ના ભારત-ચીન યુદ્ધ પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ જનરલ એસપીપી થોરાટ જેવા સૈનિક અધિકારીઓએ ત્યારે વાયુસેનાના ઉપયોગની ભલામણ કરી હતી પરંતુ તત્કાલીન સરકારે તેને મંજૂરી આપી ન હતી. જો વાયુસેના યુદ્ધમાં સામેલ થતે તો ચીનની આગળ વધવાની ગતિ ચોક્કસપણે ધીમી પડી હોત.
આ નિવેદન તેમણે પુણેમાં સ્વર્ગસ્થ લેફ્ટનન્ટ જનરલ એસપીપી થોરાટની આત્મકથા “રેવિલ ટુ રીટ્રીટ”ના સુધારેલા સંસ્કરણના વિમોચન પ્રસંગે આપેલા વીડિયો સંદેશમાં કર્યું હતું. થોરાટ 1962ના યુદ્ધ પહેલા પૂર્વીય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હતા અને તેમણે ચીન સામેની સુરક્ષા પરિસ્થિતિ અંગે તત્કાલીન સરકારને અનેક વખત ચેતવણીઓ આપી હતી.
જનરલ ચૌહાણે કહ્યું કે વાયુસેનાનો ઉપયોગ કરવાથી ભારતીય સેનાને વધુ તૈયાર થવા માટે સમય મળ્યો હોત. તેમણે સ્પષ્ટ કર્યું કે તે દિવસોમાં વાયુસેનાના ઉપયોગને “યુદ્ધમાં વધુ તીવ્રતા લાવવાનો પગલું” માનવામાં આવતું હતું પરંતુ આજે આ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે.
તેમણે તાજેતરના પાકિસ્તાન સામેના “ઓપરેશન સિંદૂર”નો ઉલ્લેખ કરીને કહ્યું કે આજના સમયમાં વાયુસેનાનો ઉપયોગ એસ્કલેશન નહીં ગણાય પરંતુ વ્યૂહાત્મક લાભ મેળવવા માટે જરૂરી પગલું છે. તેમના જણાવ્યા મુજબ, ઓપરેશન સિંદૂર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે વધુમાં કહ્યું કે 1962ના યુદ્ધમાંથી દેશે ઘણા પાઠ શીખ્યા છે. તે દિવસોમાં લેવાયેલા નિર્ણયો પર પુનર્વિચાર કરવાની જરૂર છે જેથી ભવિષ્યમાં તેવી ભૂલો ફરી ન થાય.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભારતના ટોચના સૈનિક માને છે કે 1962માં યોગ્ય સમયે જો વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હોત, તો ભારતને યુદ્ધમાં વધુ મજબૂત સ્થિતિ મળી શકતે.