અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે આજ રોજ તા.7 ઓગસ્ટની સવારે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડીએ એક પછી એક આઠ જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં, જેમાં 50 વર્ષીય એક્ટિવાચાલક મોહમ્મદભાઈને બેકાબૂ બનેલી ગાડીએ 30 ફૂટ જેટલા અંતર સુધી ઢસડતાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બીજા ત્રણ જેટલા લોકોને પણ સામાન્ય ઈજા પહોંચતાં સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત થતાં ભાગદોડ મચી ગઈ હતી:
મળતી માહિતી મુજબ, આજ રોજ સવારના સમયે ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેકાબૂ થયેલી ગાડીએ પાંચથી છ રિક્ષા અને બે જેટલા ટૂ-વ્હીલરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટૂ-વ્હીલર પર રહેલા મોહમ્મદભાઈ નામના 50 વર્ષના આધેડ ગાડીની નીચે આવી ગયા હતા અને 30 ફૂટ જેટલા ઢસડાયા હતા. જેમાં મોહમ્મદભાઈને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

ડ્રાઇવરને લોકોએ પકડી પાડ્યો હતો:
આ ઘટનામાં અન્ય બે લોકોને પણ ઈજા પહોંચતાં સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માત બાદ વાહનચાલક રાહુલ પરમાર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો હતો.

ઘટનાની જાણ થતાં ઇ-ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત કરનાર વાન-ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી છે. આ સાથે જ મોહમ્મદભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમનાં પરિવારજનોને આ વિશે જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ, વાન ડ્રાઇવરના બંને કાને હેન્ડ્સફ્રી લગાવેલા હતા. ગાડીનો ડ્રાઇવર આગળથી બેથી ત્રણ વાહનોને ટક્કર મારતો મારતો દવાની દુકાન પાસે આવ્યો અને ત્યાં ગાડી ઉભી રહી ગઈ હતી. સ્થાનિક લોકો ત્યાં ભેગા થઈ તેને બે ત્રણ લાફા માર્યા હતા.
AMCએ કાર્યવાહી હાથ ધરી:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા, ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીના કોન્ટ્રાક્ટર કંપની ”વેસ્ટન ઇમેજનરી ટ્રાન્સકોન પ્રાઇવેટ લિમિટેડ”ને રૂ. 1 લાખનો દંડ કર્યો અને ડ્રાઇવરને હાલ ફરજ પરથી ઉતારી દેવામાં આવ્યો છે.