National

UGC-NETની પરીક્ષા રદ્દ, પેપર લીકની આશંકા પર CBI કરશે તપાસ

નવી દિલ્હી: NEET વિવાદ વચ્ચે UGC-NET 2024ની પરીક્ષા રદ્દ (Exam cancelled) કરવામાં આવી છે. પેપર લીક થવાના સંકેતો બાદ શિક્ષણ મંત્રાલયે 18 જૂને યોજાયેલી UGC NET પરીક્ષા રદ્દ કરી દીધી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) તરફથી પરીક્ષા સંબંધિત કેટલાક વાંધાજનક ઇનપુટ્સ પ્રાપ્ત થયા હતા. આ ઇનપુટ્સમાં જાણવા મળ્યું હતું કે મંગળવારે લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નેટની પરીક્ષા 18મી જૂને એટલેકે બે દિવસ પહેલા જ લેવામાં આવી હતી. ત્યારે પરિક્ષા પૂર્ણ થયા બાદ યુજીસીને પેપર લીક થવા અંગે ગૃહ મંત્રાલય તરફથી ઇનપુટ મળ્યા હતા. તેમજ પરીક્ષામાં ગેરરીતિના કારણે આપરીક્ષાને બીજા જ દિવસે એટલે કે 19 જૂનના રોજ રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. ત્યારે પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. દરમિયાન કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.

યુજીસી નેટ પરીક્ષા પીએચડી પ્રવેશ, જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા મંગળવારે 317 શહેરોમાં 1205 કેન્દ્રો પર યોજાઈ હતી. જેમાં કુલ 9 લાખ 9 હજાર 508 વિદ્યાર્થીઓએ નેટની પરીક્ષા આપી હતી.

આ વખતે પરીક્ષા સીબીટી નહીં પણ પેન-પેપર મોડમાં લેવામાં આવી હતી.
આ વખતે યુજીસી નેટના 83 વિષયોની પરીક્ષા એક જ દિવસે બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પ્રથમ શિફ્ટ સવારે 9.30 થી બપોરે 12.30 સુધીની હતી. બીજી શિફ્ટનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો હતો. અગાઉ યુજીસી નેટ પરીક્ષા ઓનલાઈન સીબીટી એટલે કે કોમ્પ્યુટર આધારિત લેવામાં આવતી હતી. ત્યારે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે પરીક્ષા એક જ દિવસે તમામ વિષયો અને તમામ કેન્દ્રો પર લઈ શકાય.

NTAએ નિવેદન જારી કર્યું…
પરીક્ષા રદ્દ મામલે NTAએ જણાવ્યું હતું કે, “પરીક્ષા પ્રક્રિયાના સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષા લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. પણ સીબીઆઈ આ મામલાની તપાસ કરશે.”

Most Popular

To Top