National

NEET પેપર લીક મામલે CBIએ પટના AIIMSના 3 ડોક્ટરોની અટકાયત કરી, ત્રણેય સોલ્વર્સ હોવાની સંભાવના

નવી દિલ્હી: NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ગુરુવારે થનારી સુનાવણી પહેલા CBIને મોટી સફળતા મળી છે. સીબીઆઈ પેપર લીક ગેંગના સોલ્વર્સ કનેક્શન સુધી પહોંચી ગઈ છે અને આ કેસમાં આ કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે.

સીબીઆઈએ ત્રણેય ડોકટરોને પૂછપરછ માટે ગઇકાલે બધવારે મોડી રાત્રે કસ્ટડીમાં લીધા હતા અને ત્રણેય ડોકટરો 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. સીબીઆઈએ આ ત્રણ ડોક્ટરોના રૂમને પણ સીલ કરી દીધા છે અને તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ સીબીઆઈએ NEET પેપર લીક થવાથી લઈને ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવા માટે આખા નેટવર્કને શોધીને લીંક કરી દીધું છે. તેમજ સીબીઆઈએ પેપર લઇ જતી ટ્રકમાંથી પેપરની ચોરી કરનારા પંકજને પણ પકડી લીધો છે, જે હજારીબાગની ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કનેક્શન ધરાવે છે. ત્યારે હજારીબાગની આ શાળામાંથી પેપર સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.

આજે SCમાં સુનાવણી
NEET પેપર લીક કેસની સુનાવણી ગુરુવારે એટલે કે આજે થવાની છે. ત્યારે સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. માનવામાં આવે છે કે ત્રણ જજોની બેંચ આજે આ મામલે પોતાનો નિર્ણય આપી શકે છે.

અગાઉ જુલાઇ મહિનાની શરૂઆતમાં સીબીઆઈએ મુખ્ય આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની બિહારના નાલંદાથી ધરપકડ કરી હતી, એવું માનવામાં આવે છે કે રાકેશ રંજન NEET પેપર લીક કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ત્યારે સીબીઆઈએ છટકું ગોઠવ્યું અને રંજનને પકડવા માટે પટના અને કોલકાતામાં ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા. જો કે, સીબીઆઈએ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે.

મંગળવારે બે લોકોની ધરપકડ કરાઇ હતી
અગાઉ મંગળવારના રોજ સીબીઆઇએ નીટ મામલે બે મોટી ધરપકડ કરી હતી. જેમાં સીબીઆઈએ બિહારની રાજધાની પટનામાંથી (Patna) પંકજ કુમાર ઉર્ફે આદિત્યની ધરપકડ કરી હતી અને ઝારખંડના હજારીબાગમાંથી રાજુ સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. જેમાંથી પંકજે હજારીબાગના બોક્સમાંથી પેપર્સની ચોરી કરીને પેપરને આગળ વહેંચી દીધા હતા. તે જ સમયે રાજુ સિંહે પેપર્સના વધુ વિતરણમાં મદદ કરી હતી.

બંને આરોપીઓ પૈકી પંકજ સિવિલ એન્જિનિયર છે અને તે ઝારખંડના બોકારોનો રહેવાસી છે અને પંકજએ જ હજારીબાગમાંથી ટ્રકમાંથી પેપરની ચોરી કરીને પેપર્સનું આગળ વિતરણ કર્યું હતું, જ્યારે રાજુ સિંહ નામના વ્યક્તિએ પેપરનું વિતરણ કરવામાં મદદ કરી હતી. ત્યારે પેપર ચોરીમાં પંકજ મુખ્ય સૂત્રધાર છે.

Most Popular

To Top