નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને કે. કવિતા વિરુદ્ધ તપાસ પુરી કરી લીધી છે. તેમજ રાઉઝ એવન્યુ કોર્ટમાં દારૂ નીતિ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ લગભગ 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
અગાઉ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચ, 2024 ના રોજ કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેની સુનાવણી પુર્ણ થયા બાદ 26 જૂને CBIએ કથિત ભ્રષ્ટાચાર કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારે સીબીઆઈ અને ઈડીએ હવે એક્સાઈઝ કૌભાંડમાં કેજરીવાલ સામે તપાસ પૂર્ણ કરી લીધી છે. આ પહેલા છેલ્લી સુનાવણીમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઈઝ પોલિસીનો લાભ લેવા કેજરીવાલએ તેમની ઈચ્છા મુજબ ફેરફાર કર્યા હતા.
સીબીઆઈના આ કેસમાં 25 જુલાઈના રોજ કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતા. ત્યારે રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. તેમજ આ મામલે હવે 8 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. જો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીના કેસમાં જામીન મળી ચુક્યા છે. પરંતુ ઇડી બાદ સીબીઆઇએ તેમને કોર્ટમાંથી જ કસ્ટડીમાં લીધા હતા. હવે સીબી આઇના કેસમાં કેજરીવાલ તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ ઉપર કેસ નોંધાયા બાદ અને દિલ્હીના દારૂ કૌભાંડની તપાસ બાદ હવે કેન્દ્રીય એજન્સીએ રાઉઝ એવન્યુ ખાતેની વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચાર્જશીટ હાઈ-પ્રોફાઈલ દારૂના કેસ સાથે સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસનો જ એક ભાગ છે. જેથી સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ લગભગ 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.