નવી દિલ્હી: દિલ્હીના (Delhi) નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં સમન્સ પાઠવ્યા છે. સીબીઆઈ (CBI) દ્વારા તેમને સોમવારે રાત્રે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં દિલ્હી લિકર પોલિસી કેસમાં પ્રથમ ધરપકડ (Arrest) કરી હતી. ઇડીએ મનીષ સિસોદિયાના નજીકના સાથી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી.
- CBI દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસને લઈને નોંધાયેલી FIRમાં મનીષ સિસોદિયાનું નામ ટોચ પર
- સિસોદિયા ઉપરાંત તપાસ એજન્સીએ એક્સાઈઝ પોલિસી કેસમાં વધુ 14 લોકોને આરોપી બનાવ્યા
- મનીષ સિસોદિયા પર બે મુખ્ય આરોપ
સમન મળ્યા બાદ સિસોદિયાએ ટ્વીટ કર્યું, તેમણે લખ્યું- ‘મારા ઘરે 14 કલાક સુધી CBI દરોડા પાડવામાં આવ્યા, કંઈ બહાર આવ્યું નહીં. મારા બેંક લોકરની તલાશી લીધી, તેમાં કંઈ જ ન મળ્યું. તેઓને મારા ગામમાં કંઈ મળ્યું નથી. હવે તેઓએ મને કાલે સવારે 11 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. હું જઈશ અને મારો સંપૂર્ણ સહકાર આપીશ. સત્યમેવ જયતે.’
CBI દ્વારા દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસને લઈને નોંધાયેલી FIRમાં મનીષ સિસોદિયાનું નામ ટોચ પર છે. બાકીના આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તપાસના કેન્દ્રમાં મનીષ સિસોદિયા જ રહે તે નિશ્ચિત છે. સિસોદિયા ઉપરાંત તપાસ એજન્સીએ આ કેસમાં વધુ 14 લોકોને આરોપી બનાવ્યા છે.
આ સમગ્ર મામલામાં મનીષ સિસોદિયા પર બે મુખ્ય આરોપ છે. પહેલો આરોપ એ છે કે જ્યારે આબકારી વિભાગે દારૂની દુકાનો માટે લાઇસન્સ આપ્યા ત્યારે આ સમયગાળા દરમિયાન મનીષ સિસોદિયા દ્વારા ખાનગી વેન્ડરોને કુલ 144 કરોડ 36 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો કારણ કે આ સમયગાળા દરમિયાન આટલી લાઇસન્સ ફી માફ કરવામાં આવી હતી. જેના કારણે સરકારને મોટું નુકસાન થયું છે. આ સિવાય મનીષ સિસોદિયા પર કેબિનેટને વિશ્વાસમાં લીધા વિના અને અંતિમ મંજૂરી માટે લેફ્ટનન્ટ ગવર્નર વિના ઘણા મોટા નિર્ણયો લેવાનો પણ આરોપ છે.