નવી દિલ્હી: હરિયાણાની (Haryana) સરકારી શાળાઓમાં એડમિશનને (Admission) લઈને છેતરપિંડીના કેસમાં સીબીઆઈ (CBI) એક્શન મોડમાં આવી ગઇ છે. તેમજ તપાસ એજન્સીએ 2016માં પકડેલા ચાર લાખ નકલી વિદ્યાર્થીઓના કેસમાં FIR નોંધી છે. તેમજ આ મામલે હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ 2 નવેમ્બર, 2019ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે તપાસ માટે મોટી સંખ્યામાં લોકોની જરૂર પડી શકે છે તેમજ વિદ્યાર્થીઓની સંક્યા ખુબ વધુ હોય, સીબીઆઇને તપાસ માટે વધુ સમય લાગે તેવી સંભાવના છે. માટે આ મામલે તપાસ રાજ્ય પોલીસને સોંપવી જોઈએ. ત્યારે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ અરજી ફગાવી દીધી હતી જેના પગલે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી.
22 લાખમાંથી 4 લાખ નકલી વિદ્યાર્થીઓ મળ્યા
હાઈકોર્ટને 2016માં જાણ કરવામાં આવી હતી કે ડેટાની ચકાસણી દર્શાવે છે કે સરકારી શાળાઓમાં વિવિધ વર્ગોમાં 22 લાખ વિદ્યાર્થીઓના પ્રવેશ નોંધાયા હતા, પરંતુ વાસ્તવમાં માત્ર આ વર્ગોમાં 18 લાખ વિદ્યાર્થીઓ જ મળી આવ્યા હતા અને ચાર લાખ બાળકોના નકલી પ્રવેશ હતા. કોર્ટને એ પણ કહેવામાં આવ્યું હતું કે સમાજના પછાત અથવા ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે પ્રોત્સાહિત કરવા મધ્યાહન ભોજન યોજનામાં અમુક લાભો આપવામાં આવી રહ્યા છે. તેમજ નાણાંમાં પણ કરોડોનો ગોટાળો કરવામાં આવી રહ્યો છે.
નકલી વિદ્યાર્થીઓના નામે ભંડોળનો દુરુપયોગ
હાઈકોર્ટે રાજ્યના સતર્કતા વિભાગને ચાર લાખ નકલી વિદ્યાર્થીઓના નામે ભંડોળની શંકાસ્પદ ગેરરીતિની તપાસ માટે વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હાઇકોર્ટની ખંડપીઠે જવાબદારી નક્કી કરવા અને દોષિત સાબિત થાય તો કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો. ત્યારે વિજિલન્સ બ્યુરોની ભલામણો પર રાજ્યમાં સાત FIR નોંધવામાં આવી હતી.
હાઈકોર્ટે પોતાના 2019 ના આદેશમાં કહ્યું હતું કે એફઆઈઆર નોંધાયા પછી, તપાસ “ખૂબ જ ધીમી” હતી. ત્યારબાદ કોર્ટે યોગ્ય અને ઝડપી તપાસ માટે કેસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપ્યો. કોર્ટે રાજ્યના સતર્કતા વિભાગને 2 નવેમ્બર, 2019 ના રોજ તેના આદેશના એક સપ્તાહની અંદર તમામ દસ્તાવેજો સોંપવા કહ્યું હતું અને સીબીઆઈને ત્રણ મહિનામાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યું હતું.