હોંગકોંગમાં આજ રોજ તા. 20 ઓક્ટોબર સોમવારે વહેલી સવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો. દુબઈથી ઉડાન ભરેલું એક કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જતાં સીધું સમુદ્રમાં જઈ તૂટ્યું. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. ઘટના બાદ હોંગકોંગ એરપોર્ટનો ઉત્તર રનવે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ શરૂ થઈ ગઈ છે.
અહેવાલ અનુસાર દુબઈથી હોંગકોંગ આવતું બોઇંગ 747 કાર્ગો વિમાન સવારે લગભગ 3:50 વાગ્યે હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતું. તે દરમિયાન અચાનક વિમાન રનવે પરથી કાબૂ ગુમાવતાં દરિયામાં જઈ તૂટ્યું હતું. અથડામણ એટલી જોરદાર હતી કે વિમાનનો મોટો ભાગ પાણીમાં તૂટી પડ્યો.
વિમાનમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી બેને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. અન્ય બે લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. હોંગકોંગ નાગરિક ઉડ્ડયન વિભાગે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી તપાસ માટે સીલ કરી દેવામાં આવ્યો છે.
અમીરાત એરલાઇન્સે નિવેદન આપ્યું કે “ફ્લાઇટ EK9788 જે દુબઈથી હોંગકોંગ જઈ રહી હતી. લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈ. વિમાનમાં કોઈ કાર્ગો નહોતો. ક્રૂના કેટલાક સભ્યો સુરક્ષિત છે અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી.”
હોંગકોંગ એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું કે અકસ્માત બાદ ઉત્તર રનવે બંધ કરાયો છે પરંતુ મધ્ય અને દક્ષિણ રનવે યથાવત કાર્યરત છે જેથી અન્ય ઉડાનો પર અસર ન પડે. પોલીસ અને રેસ્ક્યુ ટીમોએ ઘટના બાદ તરત જ સ્થળ પર પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યો હતો.
નાગરિક ઉડ્ડયન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે હોંગકોંગ એર અકસ્માત તપાસ એજન્સી આ ઘટનાની વિગતવાર તપાસ કરશે અને તકનીકી ખામી કે માનવીય ભૂલમાંથી કયું કારણ જવાબદાર હતું તે જાણી કાઢશે.
આ અકસ્માતે હોંગકોંગના હવાઈ પરિવહન તંત્રને હચમચાવી દીધું છે. બોઇંગ 747 જેવા વિશાળ કાર્ગો વિમાનના સમુદ્રમાં તૂટી પડવાના આ બનાવે સુરક્ષા ધોરણો અંગે નવા સવાલો ઊભા કર્યા છે.