World

અમેરિકામાં કાર્ગો વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ: 3ના મોત, 11થી વધુ ઘાયલ

અમેરિકાના કેન્ટકી રાજ્યમાં એક ભયાનક વિમાન અકસ્માત થયો છે. લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઑફ કર્યા બાદ થોડી જ મિનિટોમાં એક UPS કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન ધરાશાયી થતાં જ ભારે વિસ્ફોટ થયો અને આસપાસના મકાનોમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક હજી વધી શકે છે.

આ દુર્ઘટના મંગળવારે સાંજે સ્થાનિક સમય મુજબ 5 વાગ્યે બની હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના જણાવ્યા મુજબ UPS ફ્લાઇટ નંબર 2976 જે મેકડૉનેલ ડગલસ એમડી-11એફ મોડેલનું વિમાન હતું. હવાઇના હોનોલુલુ માટે ઉડાન ભર્યું હતું. પરંતુ ઉડાન ભર્યાની સાથે જ વિમાનમાં ટેક્નિકલ ખામી આવી અને તે લુઇસવિલે એરપોર્ટથી થોડે અંતરે ધરાશાયી થયું. વિમાનમાં રહેલા જેટ ઇંધણના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.

લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું કે વિમાનમાં આશરે 2.8 લાખ ગેલન જેટ ઇંધણ હતું. જેના કારણે આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી. આ ઘટનામાં અનેક ઘર અને વાહનો બળી ગયા છે. મેયર અને કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે બચાવ કામગીરી ચાલુ છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ સુરક્ષિત જગ્યાએ રહે અને બચાવદળોને સહકાર આપે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ વિમાન ટેકઑફ બાદ માત્ર ત્રણ મિનિટમાં જ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. સોશિયલ મીડિયામાં અકસ્માતના વીડિયો ઝડપથી વાયરલ થયા છે, જેમાં ઘાટો કાળો ધુમાડો અને આગના ગોળા આકાશમાં ઉડતા દેખાઈ રહ્યા છે. નજીકના વિસ્તારોમાં રહેનાર લોકોને તાત્કાલિક રીતે “શેલ્ટર-ઇન-પ્લેસ”નો આદેશ અપાયો હતો.

કેન્ટકીના ગવર્નરે એક્સ (પૂર્વે Twitter) પર પોસ્ટ કરીને જણાવ્યું કે “આપત્તિ સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે શક્ય તેટલી ઝડપથી બચાવ કામગીરી કરી રહ્યા છીએ.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસમાં વિમાનની ટેકનિકલ ખામી, હવામાન પરિસ્થિતિ અને માનવીય ભૂલની સંભાવનાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. UPS કંપનીએ પણ નિવેદન આપીને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને તપાસમાં પૂરતું સહકાર આપવાની ખાતરી આપી છે.

આ અકસ્માતને 1969 બાદ લુઇસવિલે એરપોર્ટની સૌથી ગંભીર દુર્ઘટના તરીકે ગણવામાં આવી રહી છે.

Most Popular

To Top