SURAT

ત્રણ દિવસ માટે ગાડી ભાડે આપ્યા બાદ ઓનલાઇન જાહેરાત આવી : ‘ગાડી વેચવાની છે’

સુરત :પૂણામાં (Puna) ટ્રાવેલિંગ માટે ગાડી (Car) ભાડે ફેરવતા યુવકની પાસેથી હ્યુન્ડાઇ કંપનીની ગાડી રાજસ્થાન (Rajasthan) ભાડા ઉપર લઇ જવાનું કહીને બારોબાર વેચી દેવાની જાહેરાત મુકવામાં આવી હતી. આ યુવકે પોતાની જ ગાડીની જાહેરાત જોતા મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે પૂણા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહેસાણાના ઉંઝાના વતની અને હાલમાં સુરતમાં ભાઠેનાના ખરવરનગરમાં રહેતા અમરકુમાર વિરાભાઇ પટેલ મહાકાલ ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સના નામે વેપાર કરે છે, આ ઉપરાંત તે ફોરવ્હીલર ભાડેથી આપવાનું પણ કામ કરે છે. દરમિયાન અન્ય એક ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સનું કામ કરતા અને પૂણા કુંભારીયાના સ્વસ્તિક રેસીડેન્સીમાં રહેતા સોપાન સોમેશ્વર પાટીલનો ફોન આવ્યો હતો. સોપાને અમરકુમારની પાસે રાજસ્થાનના ઉદયપુરમાં જવા માટે ભાડેથી કાર માંગી હતી. અમરકુમારે તેની પાસે હ્યુન્ડાઇ કંપનીની એક્ષન્ટ ગાડી હોવાનું કહીને એક દિવસનું ભાડુ 2500 રૂપિયા કહ્યું હતું. સોપાનના કહેવાથી અમરભાઇએ તેની કાર લસકાણા પાસે ભોળાનાથ નગરમાં રહેતા સોહિલ અશોકભાઇ ઠેસીયાને ગાડી ભાડે આપી હતી. ત્રણ દિવસ બાદ અમરભાઇની ગાડીનો ફોટો ઓનલાઇન વેબસાઇટ વ્હોટ્સએપ ઉપર ફરતો થયો હતો. કારના ફોટાની સાથે લખ્યું હતું કે, ગાડી ગીરવે મુકવાની છે અને વેચવાની છે. આ સાથે જ અમરભાઇએ સોપાનને ફોન કર્યો હતો, ત્યારે સોપાને કહ્યું કે ગાડી સુરક્ષિત છે તમને ભાડુ મળી જશે. ત્રણ દિવસ બાદ સોહિલ ગાડી આપવા માટે આવ્યો ન હતો. તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો ત્યારે અમરભાઇએ સોપાનને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ સોપાને કહ્યું કે તમે ભાડું નક્કી કર્યું હતું, તમે જાણો, મને ફોન કરતા નહીં કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. આ મામલે અમરભાઇએ સોપાન પાટીલ તેમજ સોહિલ ઠેસીયાની સામે ઠગાઇની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top