ઇટલીના અમુક ગામ અહીં હંમેશાને માટે વસનારા લોકો માટે ફ્રી માં ઘર,નોકરી અને 10000 યુરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવાની પણ ઓફર આપી રહ્યા છે. તેઓની આ ઓફર ખાસ કરીને યુવા પરિવાર માટે છે. આ ગામ ઈચ્છે છે કે અહીં નવા લોકો આવીને વસવાટ કરે અને તેઓના સમુદાયનો હિસ્સો બને.ઉત્તરી ઇટલીના પીડમાંડ ક્ષેત્રમાં લોકાના જિલ્લામાં આવા અનેક ગામ છે જે સૂના અને વિરાન પડેલા છે કેમ કે ત્યાંની જનસંખ્યા ખુબ ઓછી થઇ ગઈ છે અને જે લોકો વધ્યા છે તેઓ માત્ર વૃદ્ધ લોકો જ છે માટે તેઓ ઈચ્છે છે કે ગામમાં અમુક નવા અને યુવાન લોકો વસવાટ કરવા માટે આવે.
આ ગામમાં 1900 ની શરૂઆતમાં 7000 જેટલા લોકો રહેતા હતા પણ હવે અહીંની જનસંખ્યા માત્ર દોઢ હજાર જ બચી છે, કેમ કે લોકો મોટાભાગે નોકરીઓની શોધમાં તુરિન શહેર તરફ ચાલ્યા ગયા છે જેને લીધે આ ગામમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. દરેક વર્ષે 40 જેટલા લોકોની મૃત્યુ થાય છે અને માત્ર 10 જેટલા બાળકો જ એક વર્ષમાં જન્મ લે છે.
શરૂઆતમાં આ યોજના માત્ર તે લોકો માટે જ ખોલવામાં આવી હતી, જેઓ ઇટલીમાં જ રહી રહયા હોય પણ હવે આ યોજના દુનિયાભરના લોકો માટે ખોલવામાં આવી છે.બસ અહીં રહેવાની માત્ર એક જ શરત છે કે જે પણ નવા યુગલો અહીં રહેવા માટે આવે તેઓનું એક બાળક ચોક્કસ હોવું જોઈએ, આ સિવાય તેઓનું વેતન 6,000 યુરો એટલે કે 4.9 લાખ રૂપિયા હોવું જોઈએ.તેઓએ એ સંકલ્પ પણ કરવાનો રહેશે કે તેઓ આગળ પણ આ વિસ્તારમાં જ રહેશે.
અહીંના મેયર ગિવોની બ્રુનોનું કહેવું છે કે તે ઈચ્છે છે કે અમુક એવા લોકો અહીં આવે જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોય ખાસ કરીને અહીંની બંધ દુકાનો,બાર અને રેસ્ટોરેન્ટને ફરીથી શરૂ કરી શકે.ઇટલીમાં વિદેશીઓને પ્રોપર્ટી ખરીદવા માટે પણ કોઈ પ્રતિબંધ નથી પણ અહીંની પ્રોપર્ટી ખરીદવા માટેની પ્રક્રિયા અન્ય દેશોથી થોડી અલગ પ્રકારની છે.