Editorial

ભારતના વિદ્યાર્થીઓ પર સેન્સરશીપ મૂકીને કેનેડા પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યું છે

કેનેડાએ હાલના કેસોના બેકલોગને સાફ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે અટકાવ્યું છે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નિર્દેશ જાહેર કર્યો છે.કેનેડા ગેઝેટમાં પ્રકાશિત થયેલો નિર્દેશ મુજબ, ફેમિલી રી-યુનિયન માટે સરકારની પ્રતિબદ્ધતાને દેખાડે છે, પરંતુ ગયા વર્ષે સબ્મિટ કરવામાં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે. મિલરે નોંધ્યું હતું કે આ નિર્ણય સરકારના વ્યાપક ઇમિગ્રેશન લક્ષ્યો સાથે સમાંતર છે.

કામગીરીને ફરી વ્યવસ્થિત કરવા માટે અન્ય ઇમિગ્રેશન સ્ટ્રીમ્સમાં પણ નવી સ્પોન્સરશિપને અટકાવી છે. એના ઇમિગ્રેશન સ્તરની યોજનાના ભાગ રૂપે, જે આગામી ત્રણ વર્ષમાં એકંદર વપરાશમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ રહેશે. સરકાર આ વર્ષે ફેમિલી રી-યુનિયન પ્રોગ્રામથી સબ્મિટ કરવામાં આવેલી 15,000 જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે.પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડ-પેરેન્ટ્સ પ્રોગ્રામ હેઠળ, 20,500 અરજી સ્વીકારવાના ટાર્ગેટ સાથે, 2024માં 35,700 રેન્ડમલી પસંદ કરાયેલા લોકોને અરજીઓ સબ્મિટ કરવા માટે આમંત્રિત કર્યા હતા.

મિલરે રજૂ કરેલા ઇમિગ્રેશન પર સંસદમાં 2024ના એન્યુઅલ રિપોર્ટ મુજબ, 2023ના અંત સુધીમાં ઇન્વેન્ટરીમાં 40,000થી વધુ માતા-પિતા અને દાદા-દાદીની પર્મેનન્ટ રેસિડેન્સીની સ્પોન્સરશિપ હતી. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્પોન્સરશિપ એપ્લિકેશન માટે સરેરાશ પ્રક્રિયા સમય 24 મહિનાનો હતો. અનેક ભારતીય પરિવારો બાળકોના ભવિષ્ય માટે તેમને કેનેડા અભ્યાસ માટે મોકલી રહ્યાં છે. આ અભ્યાસની સાથે સાથે તેમને ત્યાં સારી જોબ મળે અને આવકને પણ ભારતીય પરિવારો ધ્યાનમાં રાખતા હોય છે પરંતુ તેની સાથે કેનેડાને ભારતનું યૌવન અને જુદા જુદા ક્ષેત્રના તજજ્ઞો પણ મળી જાય છે. જો કે હાલમાં કેનેડા જે રીતે ભારતીયોના વિઝા પર કરવટ ફેરવી રહ્યું છે તેના કારણે વધુ નુકસાન તેને જ થવાનું છે.

કેનેડા લગભગ 18 લાખ વસાહતીઓ અને 10 લાખ બિન-નિવાસી ભારતીયો (NRIs) સાથે વિદેશમાં સૌથી મોટા ભારતીયો વસાહતીઓમાંથી એક છે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર, આ સંખ્યા કેનેડાની કુલ વસ્તીના 3 ટકાથી વધુ છે. મોટા ભાગના વસાહતીઓ ગ્રેટર ટોરોન્ટો એરિયા, ગ્રેટર વાનકુવર એરિયા, મોન્ટ્રીયલ (ક્વિબેક), કેલગરી (આલ્બર્ટા), ઓટાવા (ઓન્ટારિયો) અને વિનીપેગ (મેનિટોબા)માં રહે છે. કેનેડા જનારા ભારતીયોની સંખ્યા 2013થી ચાર ગણી વધી ગઈ છે. એપ્રિલ 2024માં નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP)ના અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ યુનિવર્સિટીઓને બદલે કેનેડિયન યુનિવર્સિટીઓમાં જવાનું નક્કી કર્યું છે કારણ કે કેનેડાની ઇમિગ્રેશન નીતિઓ પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવા માટે વધુ સારી છે.

NFAPના રિપોર્ટ અનુસાર, 2013માં કેનેડામાં સ્થળાંતર કરનારા ભારતીયોની સંખ્યા માત્ર 32,828 હતી. 2023માં આ સંખ્યા 326 ટકા વધીને 1,39,715 થઈ છે. છેલ્લા બે દાયકામાં કેનેડાની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 5,800 ટકાથી વધુનો વધારો થયો છે. 2000માં આ સંખ્યા 2,181 હતી, જે 2021માં વધીને 1,28,928 થઈ ગઈ, એટલે કે 1,26,747 વિદ્યાર્થીઓનો વધારો થયો હતો. 2016 અને 2019 વચ્ચે કેનેડિયન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતા ભારતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 182 ટકાનો વધારો થયો છે.

એક સમયે નજીકના સાથીઓ ગણાતા ભારત અને કેનેડાના સંબંધો વધુ વણસ્યા છે. કેનેડાએ ભારતીય હાઈ કમિશનર અને અન્ય ભારતીય રાજદ્વારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. કેનેડાનો દાવો છે કે, ભારતીય હાઈ કમિશનર અને રાજદ્વારીઓ એક કેનેડાના નાગરિકની હત્યામાં શંકાસ્પદ રીતે સામેલ છે. કેનેડાએ નામ તો નથી લીધું. પરંતુ આ નિવેદનને ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. કેનેડાના આ આરોપ બાદ ભારતે કેનેડા રાજદૂતને બોલાવીને કડક શબ્દોમાં તમામ આરોપો ફગાવ્યા. આ સાથે ભારતે કેનેડામાં રહેલા હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશર સહિતના છ રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી છે.ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. ભારત અને કેનેડાના સંબંધોમાં ગયા વર્ષે નિજ્જરની હત્યા થયા બાદ તણાવ છે.

પરંતુ સોમવારે જ્યારે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આરોપો લગાવ્યા કે, કેનેડામાં હિંસા અને હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ છે, ત્યારથી આ તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સાથે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એવો પણ આરોપ લગાવ્યો કે અમે ભારતને પુરતા પુરાવા આપ્યા છે. પરંતુ અમારા વારંવાર આગ્રહ છતાં ભારતની સરકારે સહયોગ નથી કર્યો. કેનેડાના આ આરોપો બાદ ભારત પણ લાલઘૂમ છે અને કેનેડાના તમામ આરોપોને ફગાવી રહ્યું છે. જો કે, કેનેડાની આ હરકત બાદ ભારત અને કેનેડાના સંબંધો સુધરવાની રહી સહી આશા પણ ખતમ થઈ ગઈ છે. આ સ્થિતિને કારણે હવે કેનેડા ભારતીયોના વિઝા ઉપર કાપ મૂકવાની મહત્તમ કોશિશ કરી રહ્યું છે.

Most Popular

To Top