Editorial

બાયજુસનો ધબડકો અન્ય સ્ટાર્ટઅપ્સના સંચાલકો માટે બોધપાઠરૂપ છે

બાયજુસના મોટા રોકાણકારોએ હાલમાં આ એડટેક કંપનીના સ્થાપક અને સીઈઓ બાયજુ રવિન્દ્રને હાંકી કાઢ્યા. 60% થી વધુ રોકાણકારો રવિન્દ્રને હટાવવા માટે મત આપ્યો. ઝૂમ કોલ મિટિંગ જે કલાકો સુધી ચાલી તેમાં મુખ્ય રોકાણકારોએ સંસ્થાપક બાયજુ રવીન્દ્રને ચીફ એક્ઝિક્યુટિવ (સીઇઓ) તરીકે હાંકી કાઢવા મત આપ્યો. મોટા રોકાણકારોના અધિકારીઓને આ અસાધારણ સામાન્ય મીટિંગ (EGM) માં અનેક વિક્ષેપોનો પણ સામનો કરવો પડ્યો. બાયજુના વફાદાર કર્મચારીઓએ સીટીઓ અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને વિક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમના પ્રયાસો સફળ રહ્યા નહીં અને બાયજુને હાંકી કાઢવા બહુમતી મતો મળી ગયા. જો કે આ નિર્ણયને બાયજુ અદાલતમાં પડકારી શકે છે.

Byju’s એ એક ભારતીય બહુરાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી કંપની છે, જેનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે. તેની સ્થાપના 2011માં બાયજુ રવીન્દ્રન અને દિવ્યા ગોકુલનાથ દ્વારા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2024 સુધીમાં, બાયજુનું મૂલ્ય $200 મિલિયન હતું, જે 2022માં $22 બિલિયનની ટોચથી તીવ્ર ઘટાડો છે. એપ્રિલ 2023 સુધીમાં, કંપની 150 મિલિયનથી વધુ નોંધાયેલા વિદ્યાર્થીઓ હોવાનો દાવો કરે છે. આ કંપનીની નાણાંકીય સ્થિતિ અંગે છેલ્લા કેટલાક સમયથી પ્રશ્નો ઉઠી રહ્યા હતા. સમયસર નાણાકીય અહેવાલો ફાઇલ કરવામાં કંપનીની નિષ્ફળતાએ તેની સ્થિરતા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા. આ કંપનીની ચોખ્ખી ખોટ જે નાણાકીય વર્ષ 21 માં રૂ. 4,564 કરોડ હતી તે વધીને નાણાકીય વર્ષ 22 માં રૂ. 8,245 કરોડ થઈ હતી. બાયજુએ આખરે 22 મહિનાના નોંધપાત્ર વિલંબ પછી નાણાકીય વર્ષ 2022 માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા અને તેમાં તેની મોટી ખોટ બહાર આવી ગઇ.

બાયજુએ તેના 2021/22 ના નાણાકીય પરિણામો ફાઇલ કરવામાં લગભગ એક વર્ષનો વિલંબ કર્યો, જેના કારણે ઓડિટર ડેલોઇટ અને ત્રણ બોર્ડ સભ્યોએ રાજીનામું આપ્યું. તેના મુખ્ય નાણાકીય અધિકારી અને મુખ્ય તકનીકી અધિકારીએ પણ નવેમ્બર 2023માં રાજીનામું આપ્યું. EDએ નવેમ્બર 2023માં બાયજુસની પેરન્ટ કંપની થિંક એન્ડ લર્ન અને રવીન્દ્રનને FEMA હેઠળ રૂ. 9,362.35 કરોડના કથિત ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ જારી કરી હતી. બાયજુના વ્યવસાયિક આચરણ દ્વારા પ્રાપ્ત વિદેશી રોકાણ સંબંધિત વિવિધ ફરિયાદોના આધારે EDએ તપાસ શરૂ કરી તેનાથી બાયજુની પ્રતિષ્ઠાને મોટો આંચકો લાગ્યો.

BYJU ની શક્તિઓમાં તેની મજબૂત બ્રાન્ડ ઓળખ, નવીન સામગ્રી અને વિશાળ વપરાશકર્તા આધારનો સમાવેશ થાય છે, જ્યારે તેની નબળાઈઓમાં ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ અને મર્યાદિત ભૌગોલિક હાજરીનો સમાવેશ થાય છે. બાયજુસ એક એપબેઝ્ડ એડટેક કંપની તરીકે કામ કરતી હતી. તેના સંચાલકોએ મોટી ભૂલ એ કરી કે તેને શિક્ષણ સેવા પુરી પાડનાર કંપનીમાંથી ધીમે ધીમે જાણે હાર્ડવેર વેચતી કંપની બનાવી નાખી. એટલે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાને બદલે તે જાણે ડિવાઇસો વેચતી કંપની બની ગઇ.

નબળા નાણાકીય વ્યવસ્થાપનને કારણે તેના પર ધિરાણોનો, દેવાનો બોજ વધતો ગયો અને આ એડટેક કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોની નારાજગી પણ દેખીતી રીતે વધતી ગઇ. નબળા વહીવટ અને પુરતા વાર્તાલાપના અભાવે આ કંપનીના ઓડિટરો અને બોર્ડના સભ્યોએ પણ સંચાલકો પરનો વિશ્વાસ ગુમાવી દીધો. આવી સ્ટાર્ટઅપ કંપનીના હિસાબો યોગ્ય રીતે રખાવા જ જોઇએ અને સરકારી નિયમનોનું યોગ્ય રીતે પાલન થવું જોઇએ, જે કમનસીબે બાયજુસના સંદર્ભમાં છેલ્લા કેટલાક સમયથી થઇ શક્યું નહીં. ફેમા હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેકટરેેટે નોટિસ ફટકારી તેનાથી તો આ કંપનીની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચ્યો.

નબળી ગ્રાહક સેવાને કારણે તો તેની શાખ બગડી જ હતી ત્યાં ઇડીને નોટિસે આ કંપની અનેતિક વ્યવહારો પણ કરતી હોવાની છાપ દેખીતી રીતે જ ઉભી થઇ. બાયજુ દંપતિની પ્રમોટર તરીકેની માનસિકતા ઘણી સમસ્યાઓના મૂળમાં હતી. તેમણે કર્મચારીઓ, ગ્રાહકોની અવગણના કરવા માંડી, રોકાણકારોના ફીડબેક અને સૂચનોની પણ અવગણના કરી અને પરિણામે મામલો ઘણી રીતે બગડી ગયો. ફોલ ઇન લવ વિથ લર્નિંગ એવા કંપનીના સૂત્રથી જાણે બિલકુલ વિપરીત જ વર્તન થવા માંડયું.

આ કંપની વિદ્યાર્થીઓને ભણતર સાથે પ્રેમમાં પાડવા માટે રચાઇ હતી, જે કંપનીને તેના સંચાલકોએ બાદમાં નાણા બનાવવાના મશીનમાં ફેરવી નાખી! બાયજુસ સ્થપાઇ ત્યારથી લઇને તેણે અન્ય છ કંપનીઓની ખરીદી કરી નાખી, પરંતુ નિરીક્ષકોના મત પ્રમાણે જે કંપનીઓ ખરીદવામાં આવી તેમનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના જ ખરીદી કરી લેવાઇ હતી અને પરિણામે બાયજુસના દેવામાં જ વધારો થયો. બાયજુસના પતનના કારણોમાં ગ્રાહક કેન્દ્રી અભિગમનું સ્થાન બ્રાન્ડ કેન્દ્રી અભિગમે લઇ લીધું તેને ખાસ ગણાવી શકાય. એક સમયની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એડટેક કંપનીના આ ધબડકા પરથી અન્ય સ્ટાર્ટઅપ્સે ઘણુ શીખવાનું છે.

Most Popular

To Top