નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે દિલ્હી સરકાર (Delhi Govt) અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન આપવા બદલ ઝાટકણી કરી હતી. હાઈકોર્ટે ઝાટકણી કરતા કહ્યું હતું કે દિલ્હી સરકારને માત્ર સત્તામાં રહેવામાં જ રસ હોય, અને ધરપકડ છતાં રાજીનામું ન આપીને અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય હિતને નહીં પરંતુ નિજી હિતને પ્રાથમિકતા આપી છે.
દિલ્હી હાઈકોર્ટે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અને ગણવેશની ઉપલબ્ધતા ન હોવા અંગે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો ન હોવાની ચિંતા નથી. કોર્ટે દિલ્હી સરકારના વકીલને કહ્યું, “તમારા નેતાને માત્ર સત્તામાં રસ છે. અમને ખબર નથી કે તમને કેટલી સત્તા જોઈએ છે.”
દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ન આપવા બદલ સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ધરપકડ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ન આપીને અરવિંદ કેજરીવાલે વ્યક્તિગત હિતને રાષ્ટ્રીય હિતથી ઉપર રાખ્યું છે. કોર્ટે AAPની આગેવાની હેઠળની દિલ્હી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ‘તેમને માત્ર સત્તામાં રસ છે’.
દિલ્હી સરકારના વકીલે કોર્ટને કહ્યું કે તેમને મંત્રી સૌરભ ભારદ્વાજ તરફથી સૂચના મળી છે કે આવા પ્રતિનિધિમંડળને કસ્ટડીમાં રહેલા મુખ્યમંત્રીની સંમતિની જરૂર પડશે. તેના પર કોર્ટે કહ્યું, ‘આ તમારી પસંદગી છે કે તમે કહ્યું હતું કે મુખ્યમંત્રી કસ્ટડીમાં હોવા છતાં સરકાર ચાલુ રહેશે.
તમે અમને એવા માર્ગ પર જવા માટે મજબૂર કરી રહ્યા છો કે જેના પર અમે જવા માંગતા ન હતા. કોર્ટે એવી પણ ટીપ્પણી કરી હતી કે શહેરી વિકાસ મંત્રી સૌરભ ભારદ્વાજે વિદ્યાર્થીઓની દુર્દશા પ્રત્યે આંખ આડા કાન કર્યા છે અને મગરના આંસુ વહાવી રહ્યા છે.
અગાઉ, MCD કમિશનરે કહ્યું હતું કે નોટબુક, સ્ટેશનરી વસ્તુઓ, ગણવેશ અને સ્કૂલ બેગનું વિતરણ ન થવાનું મુખ્ય કારણ સ્થાયી સમિતિઓની રચના નથી. તેમણે કહ્યું કે 5 કરોડથી વધુના કોન્ટ્રાક્ટ આપવાની સત્તા અને અધિકારક્ષેત્ર માત્ર સ્થાયી સમિતિ પાસે છે.
ત્યારે હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ પ્રકારની જગ્યા ખાલી ન હોવી જોઈએ. જો કોઈ કારણોસર સ્થાયી સમિતિની રચના કરવામાં આવી ન હોય, તો GNCTD (દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર) દ્વારા નાણાં તરત જ યોગ્ય સત્તાધિકારીને સોંપવામાં આવે.