સુરતમાં એક કાપડ વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે, જેને લઈને શહેરમાં ચકચાર મચી ગઈ છે. અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા આ વેપારી પર ભારે આર્થિક અને માનસિક દબાણ હતું. માહિતી મુજબ, વેપારીએ લગભગ 90 લાખ રૂપિયા લોન તરીકે લીધા હતા, પરંતુ સમય જતાં તેમણે વ્યાજ રૂપે લગભગ 2.5 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં ઉઘરાણી બંધ ન થતાં તેઓ ગંભીર તણાવમાં આવી ગયા હતા. વેપારીના પરિવારજનોએ જણાવ્યું કે પૈસા ચૂકવવા માટે તેમણે પોતાની મિલકતો પણ વેચી નાખી હતી, છતાં વ્યાજખોર તરફથી સતત દબાણ અને ધમકીઓ મળતી રહી. આખરે તેમણે સલાબતપુરા દરગાહ પાસે જઈને ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલાં વેપારીએ 3 પાનાની સુસાઈડ નોટ લખી અને વીડિયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
સુસાઈડ નોટમાં તેમણે લખ્યું હતું કે તેઓ જુનેદ ખોરાવાલાના પૈસાના ભારે દબાણને હવે સહન કરી શકતા નથી. ફેબ્રુઆરી 2025માં તેમણે પોતાના ભાઈ અને તેના પાર્ટનર માટે જુનેદ પાસેથી પોતાની જવાબદારી પર પ્રોપર્ટી લોન લેવડાવી અને લગભગ 50 લાખ રૂપિયા અપાવ્યા હતા. પૈસા ચૂકવવા માટે તેમણે પિતાની અમન સોસાયટીની મિલકત વેચીને 33,00,000 રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં 16 લાખ અને Galaxy પ્રોપર્ટી સંબંધિત 78 લાખ મળી કુલ 94 લાખ બાકી રહ્યા, જેની ઉઘરાણી તેમની પાસેથી શરૂ થઈ. દર મહિને 2,35,000 રૂપિયા જેટલું વ્યાજ ચૂકવવાનું દબાણ કરવામાં આવતું હતું, સાથે જ 78 લાખની જગ્યાએ 22 લાખ વધુ માંગીને 1 કરોડનો દબાણ કરવામાં આવ્યો. આ દરમિયાન તેમણે વ્યાજરૂપે લાખો રૂપિયા ચૂકવ્યા હોવા છતાં હાલ પણ તેમના નામે આશરે 23 લાખ અને અસલમ-શબીરના 1,60,000 રૂપિયા માંગવામાં આવે છે. આ રકમ માટે સતત ઉઘરાણી, ફોન પર ધમકીઓ અને તેમની સોસાયટીમાં ઘરની નીચે આવી ગાળો આપવામાં આવતી હતી.વેપારીને રસ્તામાં રોકીને ધમકાવવામાં આવતું અને એક વખત તેમને માર પણ મારવામાં આવ્યો હતો. તેમના પુત્રએ બચાવ કર્યો ત્યારે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 122 પર કોલ કરવા છતાં પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી ન થઈ. 24/2/2024ના રોજ તેમને મારવા માટે હથિયારો સાથે લોકો બોલાવવામાં આવ્યા હતા અને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી.
આ ત્રાસને કારણે તેઓ ડિપ્રેશનમાં ચાલી ગયા હતા. જીવતા રહેશે તો ખોટા કેસોમાં ફસાવવાની અને પુત્રના B-106 મકાન પર કબજો કરવાની ધમકી આપવામાં આવતી હતી. તેમણે પિતાનું, સાસરિયું ઘર અને પરિવારના દાગીના ગીરવે મૂકી બધું ચૂકવી દીધું, છતાં હવે તેમની પાસે કશું જ બાકી રહ્યું નથી. આ પરિસ્થિતિ માટે તેમણે જુનેદ હુકુમ ઓરાવાળાને જવાબદાર ઠેરવ્યા છે. વીડિયોમાં પણ તેમણે પોતાની હાલત માટે જુનેદને જવાબદાર ગણાવ્યો અને જણાવ્યું કે તેઓ સંપૂર્ણપણે કંટાળી ગયા છે. તેમણે મિત્રો અને પરિવાર પાસે માફી માગી અને પરિવારને પરેશાન ન કરવા વિનંતી કરી. સદનસીબે, મિત્રોની જાણ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હાલમાં તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને સુસાઈડ નોટ તથા વીડિયો મહત્વના પુરાવા બની શકે છે. આ ઘટના વ્યાજખોરીના ગંભીર પ્રશ્ન અને તેના કારણે થતા માનસિક ત્રાસને ઉજાગર કરે છે.