વલસાડ : તાપી (Tapi) ખાતે ગુરૂવારે આયોજીત વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ વલસાડ (Valsad) અને ધરમપુર એસટી ડેપોની (ST Depo) 67 બસ (Bus) ફાળવાતા સામી દિવાળીએ બસ સેવા ખોરવાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. પરિણામે ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચી મુસાફરી કરવાની લોકોને ફરજ પડશે.
વલસાડ, ધરમપુર એસ.ટી.ના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના ગુરુવારે તાપી ખાતે યોજાનાર કાર્યક્રમને લઈ લાભાર્થીઓને લઈ જવા વલસાડ એસટી ડેપોની 85 પૈકી 42 બસ અને ધરમપુર ડેપોની 61 પૈકી 25 બસ મળી કુલ 67 બસ ફાળવવામાં આવી છે. બુધવારે બપોરથી જ બસો રવાના થશે. જેને લઇ એક્સપ્રેસ અને લોકલ રૂટો પૈકી મહત્તમ રૂટ રદ કરવાની ફરજ એસટી તંત્રને પડશે. વિશેષ કરી રોજિંદા પાસ ધારકો, વિદ્યાર્થીઓ,નોકરિયાતોએ ખાનગી વાહનોનો સહારો લેવાની નોબત આવશે.
ખાનગી વાહન સેવાને લાભ થશે
મહાપર્વ દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જ ગામડાઓમાંથી ખરીદી માટે આવતા લોકો આવાવાગમન માટે મહત્વની બસ સેવા ખોટકાવવાને લઈ ખાનગી વાહન સેવાને લાભ થશે.
વડી કચેરીના આદેશ મુજબ બસ ફાળવી છે
વલસાડ એસ.ટી ડેપો મેનેજર જે.બી.જોષીએ જણાવ્યું કે વડાપ્રધાનના તાપી ખાતેના કાર્યક્રમ માટે વડી કચેરીના આદેશ મુજબ 42 બસ ફાળવાઇ છે, જ્યારે ધરમપુર ડેપો મેનેજર જયદીપ માહલાએ જણાવ્યું કે વડી કચેરીના આદેશ મુજબ ડેપોની 25 બસ ફાળવી છે.
દિવાળીના તહેવારો ટાણે ભરૂચ જિલ્લામાં વધારાની બસો દોડાવાય તો સામાન્ય મુસાફરોને રાહત થઈ શકે
નેત્રંગ: દિવાળીના તહેવારોને લઇ ભરૂચ એસટી વિભાગ નેત્રંગ, ડેડિયાપાડા, સાગબારા, સેલંબા તેમજ દાહોદ ગોધરા વિસ્તાર માટે વધારાની બસો મુસાફર જનતા માટે દોડાવે તેવી માંગ ઊઠી છે. નેત્રંગ, ડેડિયાપાડા, સાગબારા, સેલંબા તેમજ દાહોદ, ગોધરા જેવા પછાત આદિવાસી વસતી ધરાવતાં ગામડાંમાં રોજગારીના કોઈ સ્ત્રોત નહીં હોવાને લઇને તેમજ વરસાદી ખેતી પર નભતા આદિવાસી લોકો પોતાનું તેમજ પોતાના કુટુંબનું જીવનનિર્વાહ કરવા રાજ્યનાં મોટાં-મોટાં શહેરોમાં રોજગારી મેળવવા માટે કુટુંબ કબીલા સાથે જતા હોય છે.
આ લોકો હોળી, ધુળેટી તેમજ દિવાળીનો પર્વ મનાવવા માટે કોઇપણ ભોગે માદરે વતન આવતા હોય છે. તહેવારોની ઉજવણી કરવા માટે માદરે વતન આવતા લોકો માટે અંકલેશ્વર તેમજ ભરૂચથી પૂરતા પ્રમાણમાં બસોની સુવિધાઓ નહીંવત હોવાના કારણે તહેવારો ટાણે નેત્રંગ, ડેડિયાપાડા, સાગબારા તેમજ સેલંબા વિસ્તારના લોકોને કલાકો સુધી અટવાવાનો વારો આવે છે.
ભરૂચ એસટી વિભાગ જો દિવાળીના તહેવારોને લઇ ઉપરોક્ત વિસ્તારો માટે વધારાની બસો દોડવશે તો એસટી વિભાગને સારી એવી આવક મળી રહેશે તેમજ ગરીબ આદિવાસી મુસાફરોને સલામત સવારીનો લાભ મળી શકે. ભરૂચ એસટી વિભાગ આ બાબતે ઘટતું કરે તેવી પ્રજામાં માંગ ઊઠી છે.