ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં કુંજાપુરી પાસે આજે તા.24 નવેમ્બરે એક ગંભીર બસ અકસ્માત થયો છે. કુંજાપુરી મંદિર નજીક એક શ્રદ્ધાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જ્યારે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં ગુજરાતના લોકો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ દુર્ઘટના નરેન્દ્રનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કુંજાપુરી-હિંડોલાખાલ માર્ગ પર બની હતી. બસ લગભગ 70 મીટર ઊંડી ખીણમાં પડી ગઇ હતી. બસમાં કુલ 30થી 35 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો, પોલીસ અને SDRF ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર બધા શ્રદ્ધાળુઓ કુંજાપુરી મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂરા કર્યા બાદ બસ નીચે આવી રહી હતી ત્યારે ડ્રાઇવરનો સંતુલન બગડતા બસ ખીણમાં ખાબકી ગઈ હોવાનું મનાય છે.
બચાવ દળે ખીણમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી ઋષિકેશની AIIMS હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યા છે. અત્યાર સુધી પાંચ લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. જેમાં ચાર મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે.
જે બસનું અકસ્માત થયું છે તેની નંબર પ્લેટ UK14PA1769 હોવાનું જાણવા મળ્યું છે. વહીવટી તંત્ર, પોલીસ અને રેસ્ક્યુ ટીમો હાલ પણ સ્થળ પર હાજર છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે બસમાં સવાર કેટલાક યાત્રાળુઓના ઓળખપત્ર પરથી તેઓ ગુજરાતના હોવાની સંભાવના છે પરંતુ સત્તાવાર માહિતી માટે પ્રક્રિયા ચાલુ છે. અકસ્માતના સાચા કારણો બહાર કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.