સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા નિમાર્ણાધિન બસ ડેપો (Bus depot)ના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબ (Slab) અચાનક ધરાશાયી (Collapse) થતા ઓહાપોહ થઇ ગયો હતો. આ અકસ્માત (Accident)માં એક મજૂરને નાની-મોટી ઇજા (Injury) થતા સારવાર અર્થે ખસેડાયો હતો, પરંતુ આ અકસ્માત જાણે પોલિકાની પોલ ખોલતો સ્લેબ ધરાશાયી અકસ્માત સાબિત થયો છે, કારણ કે તેના નિર્માણના ગણતરીના દિવસો નહીં પણ કલાકોમાં જ આ અકસ્માત થવા પામ્યો હતો.
છેલ્લા થોડા સમયથી સુરત મનપાના શાસકો દ્વારા વહીવટીતંત્ર પાસેથી ઘણી બધી સત્તાઓ છીનવી લેવાઇ છે, તેમાં પણ ખાસ કરીને મોટા પ્રોજેકટના ઇજારાઓમાં ટેન્ડર ભરનાર એજન્સીઓની કામગીરી બાબતે ટેકનિકલ અને આર્થિક પાસાનું મુલ્યાંકન કરવા માટે કાર્યરત ટેન્ડર સ્ક્રુટીની કમિટીને હટાવી દઇ શાસકોએ ઇજારા અંગેનો તમામ દોર પોતાના હાથમાં લઇ લીધા બાદ ઘણા કોઠા-કબાડા થઇ રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ખાસ કરીને પે એન્ડ પાર્કના ઇજારામાં તો પદાધિકારીઓ રીતસર ખુલ્લા પડી ગયા છે. ત્યારે હવે અલથાણ વિસ્તારમાં સોહમ સર્કલ નજીક સુરત મહાનગરપાલિકા દ્વારા નિમાર્ણાધિન બસ ડેપોના ગ્રાઉન્ડ ફ્લોર પરનો સ્લેબનાં ભરાયાના માત્ર 6 જ કલાકમાં ધરાશાયી થતા ચકચાર મચી જવા પામી હતી.. જો કે સદનસીબે આ ઘટનામાં એક જ મજૂરને સામાન્ય ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને અઠવા ઝોનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે ઘટના ના કારણે આ પ્રોજેકટનું કામ કરી રહેલા ઇજારદાર એ.એલ. પટેલના કામની ગુણવતા સામે સવાલ ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લખનીય છે કે, મનપાના એક પદાધિકારીની નજીકના હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
વિસ્તૃત વિગતો મુજબ અલથાણ વિસ્તારમાં સોહમ સર્કલ પાસે સુમન અમૃત આવાસની પાછળના ભાગમાં મહાનગરપાલિકા દ્વારા બસ ડેપો બનાવવા બનાવવામાં આવી રહ્યો છે. આ કામ ઇજારદાર એ.એલ. પટેલને સોંપવામાં આવ્યું છે. દરમિયાન ગુરૂવારે સવારે સ્લેબ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમાં બપોરે સ્લોબ ભરાયા બાદ છ જ કલાકમાં એટલે કે સાંજે સ્લેબ પડી જતી અફરાતફરનો માહોલ સર્જાયો હતો. કુલ 2500 સ્કે.ફુટનો સ્લેબ ભરવામાં આવ્યો હતો તેમજ આશરે બે કરોડની કીંમતનો આ સ્લેબ હોવાનું જાણવા મળ્યું છે.