National

જેસલમેર-જોધપુર હાઇવે પર બસ અકસ્માત: 20 મુસાફરોના મોત, પાંચ દિવસ પહેલા ખરીદેલી બસ સળગી ખાક

રાજસ્થાનના જેસલમેર-જોધપુર હાઇવે પર ગત રોજ તા. 14 ઓક્ટોબર મંગળવારે બપોરે બનેલી ભયાનક દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે. મુસાફરો ભરેલી ખાનગી બસમાં અચાનક આગ લાગી. જે પળોમાં જ ભયાનક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. આ બસ માત્ર પાંચ દિવસ પહેલા જ ખરીદવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ બસમાં 57 મુસાફરો સફર કરી રહ્યા હતા અને પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરે લગભગ 3 વાગ્યે જેસલમેરથી રવાના થયેલી બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઇવરે તરત બસને હાઇવેની બાજુમાં રોકી દીધી પરંતુ થોડી જ પળોમાં આગે આખી બસને લપેટી લીધી હતી.

રાહત કામગીરી તાત્કાલિક શરૂ
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ બહાદુરીપૂર્વક બચાવ કાર્યમાં મદદ કરી હતી પરંતુ આગ એટલી તીવ્ર હતી કે અનેક મુસાફરો બચી ન શક્યા.

જિલ્લા કલેક્ટર પ્રતાપ સિંહે જણાવ્યું કે ગંભીર રીતે દાઝેલા 15 મુસાફરોને બચાવવામાં આવ્યા છે, જેમાં ચાર મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. કેટલાક ઘાયલોને 70 ટકા સુધી દાઝવાના ઇજા થયાં હતાં. શરૂઆતમાં તેમને જવાહર હોસ્પિટલ, જેસલમેરમાં દાખલ કરવામાં આવ્યા, બાદમાં ગંભીર સ્થિતિને કારણે જોધપુર રિફર કરવામાં આવ્યા.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ-125 પર ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. જેથી ઘાયલોને ઝડપથી જોધપુર પહોંચાડી શકાય.

મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ
કલેક્ટર મુજબ બસ સંપૂર્ણપણે બળી જતાં અનેક મૃતદેહોની ઓળખ અશક્ય બની ગઈ છે. જોધપુરથી ફોરેન્સિક અને ડીએનએ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. અધિકારીઓએ જણાવ્યું કે “મૃતદેહોની ઓળખ ડીએનએ પરીક્ષણ દ્વારા કરવામાં આવશે અને ત્યાર બાદ જ તેમને પરિવારજનોને સોંપવામાં આવશે.”

નેતાઓએ વ્યક્ત કર્યો શોક
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રાત્રે જેસલમેર પહોંચીને સ્થળની મુલાકાત લીધી અને ઘાયલોની સ્થિતિ અંગે માહિતી મેળવી. તેમણે શોક વ્યક્ત કરતા કહ્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોને સહાય પહોંચાડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને દુઃખદ ગણાવી સંવેદના વ્યક્ત કરી છે. તેમજ પીએમએનઆરએફ ફંડમાંથી મૃતકોના પરિવારને રૂ.2 લાખ અને ઘાયલોને રૂ.50,000ની સહાય જાહેર કરી.

આ દુર્ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે નવી બસો માટે સલામતી ચકાસણી અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની યોગ્ય તપાસ કેટલો અગત્યની છે.

Most Popular

To Top