હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ચંબામાં બુધવારે ખાનગી બસ ખાડામાં પડી જતા આઠ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 11 લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે આઠ મૃતદેહો બહાર કાઢ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 11 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ચંબાના તીસામાં કોલોની મોર નજીક એક બસ અકસ્માત સર્જાયો છે. ખાનગી બસમાં 20-25 લોકો સવાર હતા.
રિપોર્ટ અનુસાર, ખાનગી બસ ચુરાહ વિધાનસભા મત વિસ્તારના બોંડેડી તીસા માર્ગ ઉપર કોલોની ડાયવર્ઝન નજીક ઊંડી ખાડામાં પડી હતી. અત્યાર સુધીમાં આઠ મુસાફરોનાં મોત નીપજ્યાં છે. છ લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું. ઘણાનાં મોત નીપજ્યાંની આશંકા છે. બસ ખાડામાં પડીને જોઇને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
પ્રારંભિક તપાસમાં અકસ્માતનું કારણ બહાર આવ્યું નથી, પરંતુ અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાડામાં પડી ગઈ હતી. તસવીરો પરથી એવું જોવા મળી રહ્યું છે કે આ અકસ્માત ખૂબ જ ભયાનક હતો, કારણ કે બસમાંથી બાળકો બહાર ફેંકાયા હતા. ડીસી અને એસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.