દિલ્હી-એનસીઆરના લોકોને દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. હવે લોકો ઇકો-ફ્રેંડલી ફટાકડા ફોડી શકશે પરંતુ આ માટે કડક શરતો રાખવામાં આવી છે. કોર્ટે સંતુલિત અભિગમ અપનાવવાની વાત કરી છે જેથી પ્રદૂષણ અને તહેવારની ખુશી વચ્ચે સમતોલતા રહી શકે.
ફટાકડા ફોડવા સમય અને તારીખ
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ઇકો-ફ્રેંડલી ફટાકડા ફોડવાની મર્યાદિત મંજૂરી આપી છે. આ મંજૂરી ફક્ત તા.18 થી 21 ઓક્ટોબર સુધી જ રહેશે. ઉપરાંત ફટાકડા ફોડવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. લોકો રાત્રે 8 થી 10 વાગ્યા વચ્ચે જ ગ્રીન ફટાકડા ફોડી શકશે.
કેસની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI)એ જણાવ્યું કે ફટાકડા ફક્ત ઇકો-ફ્રેંડલી પ્રકારના જ હોવા જોઈએ અને NCR વિસ્તારની બહારથી ફટાકડા લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો NCRની બહારથી ફટાકડા લાવવામાં આવશે અથવા નકલી ફટાકડાં વેચવામાં આવશે. તો સંબંધિત વેપારીઓના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્લી સરકારના તા. 14 ઓક્ટોબર 2024ના આદેશ મુજબ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો પરંતુ હવે સંતુલિત અભિગમ જરૂરી છે. એટલે કે લોકોની પરંપરાને માન આપતા ગ્રીન ફટાકડા માટે મર્યાદિત મંજૂરી આપવામાં આવી છે. ગ્રીન ફટાકડાંમાં QR કોડ રહેશે. જેની માહિતી વેબસાઇટ પર અપલોડ કરવી ફરજિયાત રહેશે. જેથી તેમની ચકાસણી થઈ શકે.
પેટ્રોલિંગ ટીમો પણ આ સમયગાળા દરમિયાન નિયમિત ચકાસણી કરશે કે ફટાકડાં ખરેખર ગ્રીન છે કે નહીં અને ઉત્પાદકો નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડો (SPCBs)ને આદેશ આપ્યો છે કે તેઓ દિવાળી પછી હવાનું પ્રદૂષણ કેટલું વધ્યું તેની વિગતવાર રિપોર્ટ રજૂ કરે.
દિલ્હીમાં વધતું પ્રદૂષણ
શિયાળાની શરૂઆત સાથે દિલ્હીનું વાયુ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. તાજેતરમાં દિલ્હીની હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 211 સુધી પહોંચી ગયો છે. જે ‘ખરાબ’ કેટેગરીમાં આવે છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓ અનુસાર છેલ્લા ત્રણ મહિના બાદ પહેલીવાર AQI આટલા ખરાબ સ્તરે નોંધાયો છે.
ચોમાસાના વરસાદ પછી થોડો સુધારો જોવા મળ્યો હતો પરંતુ હાલના હવામાન અને તાપમાનમાં ઘટાડાને કારણે પ્રદૂષણ ફરીથી વધવા લાગ્યું છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય તહેવારની ખુશી અને પર્યાવરણ બંને વચ્ચેનો સંતુલન જાળવવાનો પ્રયાસ છે. હવે લોકોને ઇકો-ફ્રેંડલી ફટાકડા ફોડવાની મંજૂરી તો છે પરંતુ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.