અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) મહાઠગ કિરણ પટેલના રોજ રોજ નવા નવા કારનામા બહાર આવી રહ્યાં છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં તેણે જે બંગલો (bungalow) ભાડેથી લીધો છે તે પણ તેણે પચાવી પાડ્યો હોવાનું બહાર આવ્યું છે.શહેરના ઘોડાસરની પ્રેસ્ટિજ સોસાયટી ખાતેનો ભાડે રાખેલો રાજસ્થાની માલિકનો બંગલો ઠગ કિરણ પટેલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પચાવી પાડવામાં આવ્યો છે. કોઈને કોઈ બહાને તેમજ મોટા રાજકીય માથાની ઓળખાણ આપી તે બંગલો ખાલી કરતો નથી. એક વર્ષ પહેલાં જ અમદાવાદના અતિપોશ ગણાતા સિંધુ ભવન રોડ ઉપર એક બંગલો ખરીદ્યો છે, અને આ બંગલામાં તે પરિવાર સાથે રહે છે. તેમ છતાં ઘોડાસર ખાતેનો ભાડાનો બંગલો ખાલી કરતો નથી.
પીએમઓના નકલી અધિકારી કિરણ પટેલે રાજ્યના આઈએએસ અધિકારીઓ, ઉદ્યોગપતિઓનો વિશ્વાસ કેળવીને તેમની સાથે છેતરપિંડી કરી હોવાના ચોંકાવનારા કિસ્સાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે. મહાઠગ કિરણ પટેલ પીએમઓમાં અધિકારી હોવાની ઓળખાણ આપી મોંઘી મોંઘી કાર સાથે તેમજ રાજકારણીઓ સાથેના ફોટાઓ સોશિયલ મીડિયા પર શેર કરી લોકોને ભ્રમિત કરી ઠગાઇ કરતો હતો.
બીજી તરફ ગુજરાત એટીએસની ટીમ દ્વારા કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે શ્રીનગર કોર્ટમાં તેનો ચુકાદો આવતીકાલ ઉપર મુલતવી રખાયો છે, ત્યારે આવતીકાલે શ્રીનગર કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટ શું કરે છે, ત્યાર પછી કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવવાની કાનૂની કાર્યવાહી થશે.
કિરણ પટેલ દ્વારા પીએમઓનું આઇ કાર્ડ પ્રિન્ટ કરાવવામાં આવ્યું હતું. આ નકલી કાર્ડ ક્યાંથી અને કેવી રીતે બનાવ્યું છે, તે અંગે તપાસ કરવા માટે કાર્ડ તથા કિરણ પટેલનો મોબાઇલ ફોન એફએસએલમાં મોકલી તેની તપાસ હાથ ધરવામાં આવશે. જોકે હજુ કિરણ પટેલ શ્રીનગરમાં પોલીસ કસ્ટડીમાં હોવાથી રાજ્ય પોલીસ હાલમાં તેની તપાસ કરી શકતી નથી. ટ્રાન્સફર વોરંટના આધારે ગુજરાત લાવ્યા બાદ તેની તપાસ બાદ અનેક નવા ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે.