વલસાડ : વલસાડ (Valsad) જિલ્લા ખેડૂતોને (Farmer) વલસાડમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં (Project) વળતર ઓછું મળતાં ખેડૂત સમાજ દ્વારા સોમવારે (Monday) જિલ્લા કલેક્ટરને વધુ વળતર માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.
વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભગુભાઈ તથા મહામંત્રી રૂપેશભાઈ સાથે જિલ્લાના ખેડૂતો સાથે મળીને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને આવેદનપત્ર આપી વળતર વધારવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટમાં જાહેર હિતનો અભ્યાસ કરાયો નથી. આ પ્રોજેક્ટમાં જમીનની બજાર કિંમત અંગે જાહેરાત જાહેરનામાં કરવાની હોય છે. વલસાડ જિલ્લાના બોરીગામ, નગવાસ, ઝારોલી, બાલદા, કુભારીયા, સુખલાલ, વેલપરવા, ડુંગરી, દશવાડા, પરીયા, અંબાચ અને પંડોર વગેરે ગામોમાં કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી થઇ નથી.
વલસાડના એસટી ડેપો સામે આવેલા મોરારજી દેસાઈ ઓટોડેરીયમ હોલમાં એ સમયના કલેક્ટર ખરસાણના અધ્યક્ષસ્થાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લઇને ખેડૂતો સાથે મીટીંગ કરવામાં આવી હતી. જેમાં દિલ્હીના એન્જિનીયરની હાજરીમાં બધા ખેડૂતોને એક સમાનનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી, પરંતુ નવસારી કરતા વલસાડ જિલ્લાના ખેડૂતોને વળતર ઓછું મળતાં ખેડૂતો નારાજ થયા હતા. તેમણે નવસારી જિલ્લાના ખેડૂતોને જેટલું વળતર ચુકવવામાં આવે એવી માંગ કરી હતી. ઝાડ અને જમીનમાં અસમાનતા રાખીને વલસાડ જિલ્લાના ખેડૂતો સાથે ભારે અન્યાય થઈ રહ્યો હોય જેનો ઉકેલ લાવવા માટે આજે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં ખેડૂતોને સરખું વળતર ચૂકવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને જરૂર પડ્યે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકાવી દેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
ચૂંટણીની અદાવતમાં ખોદી કાઢેલો રસ્તો હજુ બન્યો નથી
ખેરગામ: ખેરગામના બહેજ ગામના તળાવ ફળિયામાં વિરોધ પક્ષે અમારો વોર્ડનો સભ્ય હારી જશે તો તમારા ઘર તરફનો રસ્તો ખોદી કાઢીશું એવી ધમકી આપી હતી. અને વિરોધ પક્ષનો વોર્ડ સભ્ય હારી જતાં રાતોરાત રસ્તો ખોદી કઢાતાં આદિમ જૂથના પરિવારે અગાઉ મામલતદારને રજૂઆત કરી હતી. જો કે, ડિસેમ્બર માસથી આજે ત્રણ માસ થવા છતાં રસ્તો નહીં બનાવાતાં લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે તાનાશાહી ઓનું રાજ હોય એવું પ્રતિક થઈ રહ્યું છે.
લોકશાહીની ચૂંટણીમાં હારજીત મુદ્દે પણ વરવું રાજકારણ ખેલાય છે. જેનો જીવંત દાખલો ખેરગામ તાલુકાના બહેજ ગામના તળાવ ફળિયામાં જોવા મળ્યો હતો. જ્યાં આદિમ જૂથ સમુદાયના ૧૬ પરિવાર વસવાટ કરે છે. આ પરિવારોએ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિરોધ પક્ષને સહકાર નહીં આપતાં આકરી કિંમત ચૂકવવી પડી છે. ચૂંટણી પહેલાં જ શૈલેષ પટેલ અને તેમના ચારથી પાંચ સાથીઓએ સાંજે આવીને ધમકી આપી હતી કે, ‘જો અમારો ગ્રામ પંચાયતનો સભ્ય હારી જશે તો તમારો રસ્તો ખોદી નાંખીશું અને બહેજ ગામમાં તમારું જીવવાનું હરામ કરી નાંખીશું. પરંતુ આદિમ જૂથના સમુદાયના લોકોએ ડર્યા વિના ચૂંટણીમાં મતદાન કર્યું હતું. જેને કારણે વિરોધ પક્ષનો વોર્ડ સભ્ય હારી ગયો હતો. ત્યારબાદ આદિમ જૂથ પરિવારના ઘર તરફ જતો રસ્તો વિરોધીઓએ ખોદી કાઢ્યો હતો. લગભગ 25થી 30 લોકો રસ્તો ખોદવા માટે ટ્રેક્ટર લઈને આવ્યા હતા. મામલતદારને કરાયેલી રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરાયો હતો કે, વિરોધીઓ અમને માર મારવાના ઇરાદે જ આવ્યા હતા. ચૂંટણીની અદાવતમાં રસ્તો ખોદી કઢાતા મામલતદારને રજૂઆત કરી હતી. છતાં કામગીરી કરાઈ નથી.
રસ્તા બાબતે પાંચ ડિસેમ્બરે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રાખવામાં આવેલી સુનાવણીમાં અધિકારીએ આદિમજુથના આગેવાનોને એક અઠવાડિયામાં રસ્તાની કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. પરંતુ એ વાતને પણ ઘણા દિવસો વીતવા છતાં પણ રસ્તાનું કામ શરૂ નહીં થતા તાનાશાહીઓનું રાજ હોય તેમ આદિમજુથના પરિવારોને પ્રતિત થઈ રહ્યું છે.