અંક્લેશ્વર : અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનમાં સંપાદન થયેલી જમીનનું વળતર ચૂકવવા માટે આના કાની કરતા ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ સામે ખેડૂતો પણ હવે લડાયક મૂડમાં આવી ગયા છે. નવસારી અને સુરત જિલ્લામાં નવી જંત્રી પ્રમાણે વળતર આપવામાં આવ્યુ છે, તો કેમ ભરૂચ જિલ્લાના ખેડૂતોને જૂની જંત્રી પ્રમાણે વળતર આપવામાં આવી રહ્યુ છે. ત્યારે નવી જંત્રી પ્રમાણે ખેડૂતોને જમીનનું વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી.
આ અંગે ઉંટીયાદરા ગામના સરપંચ રાજેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામની સીમમાંથી પસાર થતી બુલેટ ટ્રેન માટે જમીન સંપાદિત કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ત્યારે જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ છે, એ ખેડૂતોને યોગ્ય વળતર નથી મળી રહ્યુ. નવસારી જિલ્લાની 28 ગામની જંત્રી વધી છે, સુરત જિલ્લાની પણ જંત્રી વધી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં જમીનની જંત્રી વધારવા માટે ઉંટીયાદરા ગામમાં ખેડૂતોએ મિટિંગ કરી નવી જંત્રીની માંગણી કરી છે. જંત્રી વધારવાની માંગણીનો રિપોર્ટ મહેસૂલમંત્રી, કલેકટર, અને ધારાસભ્ય સુધી પહોંચાડ્યો છે, જે બાબતે નવી જંત્રીનો અમલ કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે, પરંતુ સરકારી અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. જે બાબતે આજે ઉંટીયાદરા ગામે ખેડૂતો ભેગા થયા હતા.
આ બાબતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પણ રજુઆત કરી ચુક્યા છે. સાથે સાથે સ્થાનિક ધારાસભ્યોને પણ રજુઆત કરી છે. ભરૂચ જિલ્લામાં જંત્રી પણ નવસારી જિલ્લાના થયેલા એવોર્ડ મુજબ જ ચૂકવવી તેવી જાહેરાત પણ કરી હતી. પરંતુ ભરૂચ જિલ્લાના સરકારી અધિકારીઓ આ એવોર્ડની રકમ ચૂકવવા ધ્યાન આપતા નથી અને રકમ ચુકવતા પણ નથી. જેથી ઉંટીયાદરા ગામના ખેડૂતોની માંગ છે કે નવી જંત્રી પ્રમાણે એવોર્ડની રકમ ચુકવવામાં આવે. જો 25 માર્ચ સુધીમાં નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં નહી આવે તો ઉંટીયાદરા ગામની સીમમાં બુલેટ ટ્રેનની કામગીરી અટકાવી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.