SURAT

બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો વળાંક દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પોલીસએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.પ્રારંભિક તબક્કામાં મહિલા મિત્રએ પણ પોતાના પક્ષે પોલીસમાં અરજી કરી હતી, જેના કારણે કેસ વધુ જટિલ બન્યો હતો. પરંતુ પોલીસ દ્વારા કૉલ ડિટેલ, મેસેજ, નાણાકીય લેવડદેવડ અને અન્ય પુરાવાઓના આધારે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી. જે બાદ તપાસ દરમિયાન મળેલા તથ્યોને આધારે મહિલા મિત્રની સંડોવણી સામે આવતાં પોલીસએ તેની સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ બાદ પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસને લઈ શહેરમાં ભારે ચર્ચા અને ઉથલપાથલ મચી હતી.જેને ધ્યાને રાખી પોલીસે ફરિયાદ નોંધી આરોપી ની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે એસીપી ઝેડ આર દેશાઈ એ જણાવ્યું હતું કે હાલ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

1 ફેબ્રુઆરી 2026ના રોજ તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને તરત જ મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની ટીમે પાંચ દિવસ સુધી જીવતદાન આપવા માટે સતત પ્રયત્નો કર્યા હતા, પરંતુ ઇજા ગંભીર હોવાને કારણે અંતે તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આ કેસમાં શરૂઆતથી જ પરિવારજનોએ મહિલા મિત્ર પર માનસિક દબાણ અને પરેશાનીના આક્ષેપો કર્યા હતા. બીજી તરફ, મહિલા મિત્ર દ્વારા પણ પોતાની તરફથી પોલીસમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ ઉમરા પોલીસે બંને પક્ષની રજૂઆતો, કોલ ડીટેઈલ્સ, ડિજિટલ પુરાવા અને અન્ય ટેક્નિકલ તપાસના આધારે મહિલા મિત્રની સંડોવણી જણાતાં આખરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોણ હતા તુષાર ઘેલાણી? તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક આદરણીય અને જાણીતું નામ હતું. ‘ઘેલાણી ગ્રુપ’ અને ‘ઘેલાણી બિલ્ડર્સ’ દ્વારા તેઓ 1990થી બાંધકામ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. પાર્લે પોઈન્ટ સ્થિત જોલી કોમ્પ્લેક્સમાં તેમની મુખ્ય કચેરી આવેલી હતી. સુરતમાં આધુનિક અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ માટે તેઓ ખાસ ઓળખાતા હતા.

હાલ ઉમરા પોલીસ દ્વારા આરોપી ની વધુ પૂછપરછ ચાલી રહી છે અને કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. સમગ્ર મામલો હવે કાનૂની પ્રક્રિયામાં પ્રવેશ્યો છે, અને શહેરની નજર પોલીસની આગામી કાર્યવાહી પર ટકી છે.જો કે પોલીસ સૂત્રો મુજબ, તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

Most Popular

To Top