ગાંધીનગર: અવિરત વિકાસ અને જનકલ્યાણને પાયામાં રાખીને રજૂ થયેલા ગુજરાતનાં વર્ષ 2026-27ના રૂ. 4 લાખ 8 હજાર કરોડના બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું હતું. તેમણે આ બજેટને અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલએ વધુમાં કહ્યું હતું કે આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. આ બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સમાજના દરેક વર્ગો એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
યુવાનોને ધ્યાનમાં રાખી એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20 ટકા એટલે કે 64 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવાશક્તિના નિર્માણ માટે બજેટમાં ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19 ટકા તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે શહેરી વિકાસ માટે 11 ટકાની ફાળવણી થઈ છે.
આદિવાસી વિસ્તારને મુખ્યધારાનાં લાવવા માટેનાં પ્રયાસો અને નાણાંકીય ફાળવણીની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભગવાન બિરસામુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35 હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના પણ કરાશે. ચાર આદિવાસી જિલ્લાઓનાં 18 તાલુકાની 51,480 હેક્ટર વિસ્તારને ઉદવહન સિંચાઇ આપવાનું જે આયોજન આ બજેટમાં કરવામાં આવ્યું છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.