ગાંધીનગર : કેન્દ્રીય બજેટ પર તીખી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકાર દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ દેશના 140 કરોડ નાગરિકો માટે નિરાશાજનક સાબિત થયું છે. આ બજેટ કિસાન, જવાન અને યુવાન ઉપરાંત ગરીબ, સામાન્ય, મધ્યમ વર્ગ અને નાના-મધ્યમ ઉદ્યોગો તેમજ સ્વરોજગારી માટે છેતરપીંડી સમાન છે. ડૉ. દોશીએ કહ્યું કે નાણામંત્રીના લગભગ 90 મિનિટના બજેટ ભાષણમાં કઈ યોજનામાં કેટલા નાણા ફાળવાયા, કઈ યોજનામાં વધારો થયો કે ઘટાડો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓના ભવ્ય વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ આજે આ યોજનાઓ ક્યાં પહોંચી છે તેનો ઉલ્લેખ પણ બજેટમાં કરવામાં આવ્યો નથી. ગેસ, પેટ્રોલ અને ડીઝલ જેવી આવશ્યક ચીજવસ્તુઓમાં કોઈ રાહત ન મળતા મોંઘવારીનો બોજ યથાવત રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય અને સંરક્ષણ ક્ષેત્રના ખર્ચમાં સતત ઘટાડો ગંભીર ચિંતા જનક છે.
ડૉ. મનીષ દોશીએ આરોપ લગાવ્યો હતો કે આરોગ્ય, શિક્ષણ, સામાજિક કલ્યાણ, ખેતી તેમજ ગ્રામિણ અને શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં હજારો કરોડ રૂપિયાનો કાપ મુકવામાં આવ્યો છે. જળ જીવન મિશન હેઠળ રૂ. 50 હજાર કરોડનો ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનેક વિસ્તારોમાં દૂષિત પીવાના પાણીથી લોકોના જીવ જઈ રહ્યા છે. વિશેષ કરીને SC, ST અને OBC વર્ગોની યોજનાઓમાં કરાયેલો ઘટાડો સામાજિક ન્યાય પર સીધો પ્રહાર હોવાનું તેમણે જણાવ્યું. પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ, આદિવાસી વિકાસ કાર્યક્રમો અને યુવાન વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપમાં ભારે ઘટાડો કરીને સરકાર પોતાની અસંવેદનશીલ માનસિકતા પ્રગટ કરી રહી છે.વધતી જતી મોંઘવારી ઘટાડવા માટે કોઈ જાહેરાત નથી, ગરીબી અને ભૂખમરાના વધારા સામે લડવા કોઈ નક્કર નીતિ નથી.