Gujarat

રિફોર્મ એક્સપ્રેસને ગતિ આપતું આપતું બજેટ : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ હોવાનું સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. કેન્દ્રીય બજેટ પર પ્રતિભાવ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ ત્રણ મુખ્ય કર્તવ્યો પર કેન્દ્રિત છે — આર્થિક વિકાસને વેગ આપી તેને ટકાવી રાખવો, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરી કેપેસિટી બિલ્ડીંગ કરવું અને “સૌના સાથ, સૌના વિકાસ”ના વિઝન સાથે સર્વસમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવો. કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો અને ગ્રામિણ અર્થતંત્રને પ્રાધાન્ય આપીને ‘ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિ તથા દિવ્યાંગજન’ના પીલર્સ મજબૂત કરાયા છે.પટેલે કહયું હતું કે આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને આત્મનિર્ભર ભારતના નિર્માણને આગળ ધપાવતું બજેટ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લોથલ અને ધોળાવીરાને પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સામેલ કરવાથી ગુજરાતમાં ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે અને પ્રવાસન દ્વારા સ્થાનિક રોજગારી વધશે. 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી પણ ગુજરાતને લાભ મળશે.શહેરી વિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કે 5 લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોના સુગ્રથિત વિકાસને વેગ મળશે. મ્યુનિસિપલ બોન્ડ્સને પ્રોત્સાહન આપવાના પગલાંથી ગુજરાતની મ્યુનિસિપાલિટીઓને પણ લાભ થશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ બજેટ MSMEથી લઈને મોટા ઉદ્યોગો માટે પ્રોત્સાહક છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ પરનો ફોકસ અને MSME પર ભાર લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગોને નવી શક્તિ આપશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળતા પ્રોત્સાહનોથી ગુજરાતના ઉદ્યોગોને બૂસ્ટ મળશે અને ટેક્સટાઇલ સેક્ટર માટે જાહેર કરાયેલી 6 યોજનાઓથી રાજ્યના ટેક્સટાઇલ ઉદ્યોગોને વિશેષ લાભ થશે. તેમણે વધુમાં કહયું હતું કે ત્રણ કેમિકલ પાર્ક્સ, બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ₹10,000 કરોડની જાહેરાત તથા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા સુરતને દાનકુની સાથે જોડવાની જાહેરાત લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં ‘માસ્ટરસ્ટ્રોક’ સાબિત થશે. 20 નવા નેશનલ વોટર વેઝ અને યુનિવર્સિટી ટાઉનશીપ્સથી સ્કિલ ઇકોસિસ્ટમને પણ બળ મળશે.ખાદી, હાથશાળ અને હસ્તકલાને મજબૂત કરવા મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ, સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર જોડાણ અને કરદાતાઓના સન્માનને પ્રાધાન્ય આપતા કર સુધારાઓને મુખ્યમંત્રીએ પ્રશંસનીય ગણાવ્યા હતા.

કેન્દ્રીય બજેટ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયાની હાઈલાઈટ

  • પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામાન્ય જનતાને કેન્દ્રમાં રાખીને વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છે
  • ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિ તથા દિવ્યાંગજનના પીલર્સ વધુ મજબૂત બનશે
  • સમાજના તમામ વર્ગોને “સૌના સાથ, સૌના વિકાસ”ના મંત્રથી આવરી લેતો સર્વસમાવેશી અભિગમ અપનાવવામાં આવ્યો છે
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર્સ પર વિશેષ ફોકસ
  • MSME પર ભાર મૂકવાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે
  • મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટેના પ્રોત્સાહનોથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ મળશે
  • દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ઝડપી અને અસરકારક લોજિસ્ટિક્સ સુવિધા મળશે
  • ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપતી 6 યોજનાઓથી ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગોને વિશેષ લાભ
  • ત્રણ કેમિકલ પાર્ક્સ અને બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ₹10,000 કરોડની જાહેરાતથી સંબંધિત ઉદ્યોગોને પ્રોત્સાહન
  • મ્યુનિસિપલ બોન્ડ માટેના પ્રોત્સાહનોથી ગુજરાતની મ્યુનિસિપાલિટીઓને ફાયદો થશે
  • 5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાથી નાના શહેરોનો સુગ્રથિત વિકાસ થશે
  • જામનગરના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના અપગ્રેડથી પરંપરાગત ઔષધિઓના સંશોધનને વૈશ્વિક પ્રોત્સાહન મળશે
  • લોથલ અને ધોળાવીરાનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમમાં સમાવેશ થવાથી ‘વિરાસત ભી, વિકાસ ભી’નો અભિગમ સાકાર થશે
  • 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10 હજાર ટુરીસ્ટ ગાઇડ તૈયાર કરવાની યોજનાથી સ્થાનિક રોજગારી વધશે
  • કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથો અને ગ્રામિણ અર્થતંત્રને પ્રાધાન્ય
  • કરદાતાઓના સન્માન સાથે કરવેરા સંબંધિત ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને દંડની જોગવાઈ પ્રશંસનીય

Most Popular

To Top