ગાંધીનગર : સ્વદેશ દર્શન યોજનાનો (Swadesh Darshan Yojana) હેતુ સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે સાથોસાથ માળખાકીય સુવિધાઓનો વિકાસ કરી પ્રવાસન પણ વધારવાનો છે. સ્વદેશ દર્શન યોજના અન્વયે (Buddhist sites) ના વિકાસ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમ્યાન પ્રવાસન મંત્રી મૂળૂભાઈ બેરાએ કહ્યું હતું કે ૩૧-૧૨-૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૩૦૭.૪૨ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, બુદ્ધિસ્ટ સર્કિટ ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંતર્ગત એપ્રોચ રોડ, રોડ લાઈટ, ડસ્ટબિન, સીસીટીવી, સ્ટોન બેન્ચ, પ્રવેશદ્વાર, જેવા કામો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂપિયા ૧૯૯૫.૭૫ લાખનો ખર્ચ થયો છે. બુદ્ધિસ્ટ સર્કિટ અન્વયે ફળોના સમાવેશ અંતર્ગત પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે ઉપરકોટ ગુફા -જુનાગઢ, બાબા પ્યારે ગુફા જૂનાગઢ, ખાપરા કોડીયા ગુફા જુનાગઢ, અશોક રોક જુનાગઢ, શાણા ગુફા ગીર સોમનાથ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફા ગીર સોમનાથ, કડિયા ડુંગર ભરૂચ, શિયોત ગુફા કચ્છ, તળાજા બુદ્ધિસ્ટ ગુફા ભાવનગર, ખંભાલીડા ગુફા રાજકોટ, વડનગર બુદ્ધિસ્ટ મોનેસ્ટરી તેમજ તારંગા બુદ્ધિસ્ટ ગુફા મહેસાણા નો સમાવેશ થાય છે.