બ્રિટનના ભારતીય મૂળના ગૃહમંત્રીએ શા માટે ભારત સાથેના મુકત વેપાર કરારનો વિરોધ કર્યો – Gujaratmitra Daily Newspaper

Business

બ્રિટનના ભારતીય મૂળના ગૃહમંત્રીએ શા માટે ભારત સાથેના મુકત વેપાર કરારનો વિરોધ કર્યો

નવી દિલ્હી: બ્રિટનના (Britain) ગૃહમંત્રી અને ભારતીય મૂળના નેતા સુએલા બ્રેવરમેને ભારત (India) સાથે બ્રિટનના મુક્ત વેપાર કરાર (FTA)નો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આનાથી બ્રિટનમાં ભારતીયોની સંખ્યા વધી શકે છે. તેમણે આ નિવેદન યુકેના બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક સંમેલન પછી આપ્યું હતું, જેમાં તેમની પાર્ટીના નેતા (Party Leader) કામી બેડેનોચે ભારત સાથે મુક્ત વેપાર કરારને વહેલો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.

કેમી બેડેનોચે બે દિવસ પહેલા યુકેના બર્મિંગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીના વાર્ષિક અધિવેશનમાં ભારત સાથે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ FTA પર ઉઠેલી ચિંતાઓને સંબોધતા આ જાહેરાત કરી હતી. વડા પ્રધાન લિઝ ટ્રુસની આગેવાની હેઠળની સરકારમાં એફટીએની વાટાઘાટોનો હવાલો સંભાળતા બેડેનોચે આ સમય દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે યુકેની નવી સરકાર ભારત સાથેના મુક્ત વેપાર કરારને તેની નિર્ધારિત સમયમર્યાદામાં સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. તે જ સમયે, અગાઉ બ્રિટનના વડા પ્રધાન લિઝ ટ્રુસે પણ કહ્યું હતું કે તેઓ આ મહિનાના અંત સુધીમાં ભારત સાથે FTA પર હસ્તાક્ષર કરવા માંગે છે.

ભારત સરકાર લાંબા સમયથી યુકેમાં ભારતીય નાગરિકો માટે વર્ક અને સ્ટડી વિઝા વધારવાની માંગ કરી રહી છે અને આ કરારથી યુકેમાં ભારતીયોની એન્ટ્રી સરળ બની શકે છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બ્રેવરમેને અગાઉ જણાવ્યું હતું કે યુકેમાં તેમના વિઝા સમયગાળા કરતાં વધુ સમય વિતાવનારા લોકોમાં ભારતીય ઈમિગ્રન્ટ્સની સંખ્યા સૌથી વધુ છે. ગૃહમંત્રીએ તેમના પુરોગામી પ્રીતિ પટેલ દ્વારા ગયા વર્ષે ભારત સાથે કરાયેલા કરારની પણ ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આના કારણે દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને લોકો વિઝા પર વધુ સમય વિતાવતા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. બ્રિટનના ગૃહ મંત્રાલયના આંકડાઓ દર્શાવે છે કે 2020માં 20,706 ભારતીયોએ યુકેમાં તેમના વિઝા પર અન્ય દેશોના નાગરિકો કરતાં વધુ સમય વિતાવ્યો હતો. 473,600 ભારતીયો કે જેમના વિઝા 2020 માં 12 મહિનામાં સમાપ્ત થવાના હતા, તેમાંથી 4,52,894 લોકોએ યુકે છોડ્યું પરંતુ 4.4 ટકાએ ઓવરસ્ટેડ કર્યું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે બ્રેવરમેને જણાવ્યું હતું કે, “હું ભારતીયો માટે યુકે બોર્ડર ખોલવાની આ નીતિથી ખૂબ જ ચિંતિત છું.” જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું તે એવા કરારને સમર્થન કરશે જેમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો માટે નિયમો લવચીક હોય, જેના જવાબમાં તેણીએ કહ્યું, “મને તેની સામે થોડો વાંધો છે. જો આપણે યુકેમાં ઇમિગ્રેશનની સ્થિતિ પર નજર કરીએ તો, વિઝા સમાપ્ત થયા પછી પણ અહીં સૌથી વધુ સમય વિતાવનારા લોકો ભારતીય છે. આ મામલે અમે ગયા વર્ષે ભારત સરકાર સાથે કરાર પણ કર્યો હતો. મને નથી લાગતું કે તેનાથી બહુ ફરક પડ્યો છે.’ બ્રેવરમેને પહેલેથી જ તેના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે કે તે બ્રિટનમાં લાખો માઇગ્રન્ટ્સને મર્યાદિત કરવા પર કામ કરશે જે અગાઉની કન્ઝર્વેટિવ સરકારો કરી શકી ન હતી. બ્રેવરમેનના આ નિવેદન પર તેમની સરકાર સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું, ‘કોઈને ખબર નથી કે તેણે આ ટિપ્પણીઓ કેમ કરી. જ્યારે થેરેસા ગૃહમંત્રી હતા ત્યારે તેમની ટીકા કરવા માટે આવી વાતોનું વારંવાર પુનરાવર્તન થતું હતું. બ્રેવરમેને બ્રિટનને ECHR છોડવાનું સૂચન કર્યું બ્રેવરમેને આ સમય દરમિયાન બ્રિટનને યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઈટ્સ (ઈસીએચઆર) છોડવા માટે હાકલ કરી છે, જ્યારે તેમની સરકાર આ કોન્ફરન્સને વળગી રહેવા માંગે છે.

Most Popular

To Top